'ભવિષ્યમાં આવી હિંમત ન કરશો' વડોદરા કલેક્ટર પર હાઈકોર્ટ લાલઘૂમ; પૂર્વ ન્યાયિક અધિકારી અંગે ટિપ્પણી કરવા બદલ ફટકાર

વડોદરા જિલ્લા કલેક્ટરે એફિડેવિટમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના તત્કાલીન ન્યાયિક સભ્ય અને પ્રભારી અધ્યક્ષ વિશે બિનજરૂરી અને ખોટી બાબતો રજૂ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 09:42 PM (IST)Updated: Mon, 26 Oct 2026 09:42 PM (IST)
gujarat-high-court-on-vadodara-collector-anil-dhameliya-judicial-officer-remarks

Gujarat High Court News: એક સોગંદનામામાં પૂર્વ ન્યાયિક અધિકારી પર અનુચિત ટિપ્પણી કરવા બદલ વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાને ગુજરાત હાઈકોર્ટે આકરી ફટકાર લગાવી છે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા એફિડેવિટમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના તત્કાલીન ન્યાયિક સભ્ય અને પ્રભારી અધ્યક્ષ વિશે બિનજરૂરી અને ખોટી બાબતો રજૂ કરવામાં આવી હતી.

ગયા અઠવાડિયે શુક્રવારે આદેશ આપતા જસ્ટિસ નિરાલ મહેતાની સિંગલ બેંચે જણાવ્યું કે, તત્કાલીન ન્યાયિક અધિકારી વિશે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા દર્શાવેલી બાબતો સંપૂર્ણપણે અપ્રસ્તુત અને અયોગ્ય હતી. હાઈકોર્ટે સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના અતિરિક્ત મુખ્ય સચિવને આદેશ આપ્યો કે, તેઓ 27 નવેમ્બરના રોજ યોજાનાર સુનાવણી સુધીમાં કલેક્ટર અનિલ ધામેલિયા સામે આગળની સશક્ત કાર્યવાહીનો પ્રસ્તાવ તૈયાર કરીને કોર્ટને જાણ કરે.

ગુજરાત હાઈકોર્ટ વડોદરા કલેક્ટરના 17 ઓગસ્ટ 2026 ના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી, જે 'ગુજરાત જમીન મહેસૂલ સંહિતા 1879' ની કલમ 65 હેઠળ બિનખેતી (NA) ઉપયોગની પરવાનગી આપવાનો ઈનકાર કરવા સાથે જોડાયેલો હતો. જિલ્લા કલેક્ટરે અરજી ફગાવતા દાવો કર્યો કે, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સમક્ષ અગાઉથી જ 3 પુનરીક્ષણ અરજી પેન્ડિંગ છે.

જોકે, અરજદારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, ટ્રિબ્યુનલ સમક્ષ આવી કોઈ પુનરીક્ષણ અરજી પેન્ડિંગ નથી અને તેમની અરજી રદ કરવાનો વડોદરા જિલ્લા કલેક્ટરનો નિર્ણય કાયદાના સ્થાપિત સિદ્ધાંતોથી વિપરીત છે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે વડોદરા જિલ્લા કલેક્ટરને સોગંદનામું રજૂ કરવા આદેશ આપ્યો, જેમાં કલેક્ટરે તત્કાલીન ન્યાયિક અધિકારી સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી.

અદાલતે કલેક્ટરની મૌખિક માફી સ્વીકારવાનો ઈનકાર કરતાં કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, "શું તમને જરા પણ ખ્યાલ છે કે તમે શું કર્યું છે? તમે ન્યાયિક અધિકારી પર આરોપ લગાવી રહ્યા છો. ભવિષ્યમાં પણ આવી હિંમત ન કરતા." હાઈકોર્ટે નોંધ્યું કે, કોર્ટની ટીકા બાદ કોઈ ન્યાયિક અધિકારીને સેમાંથી હટાવવામાં આવ્યા હોય તો પણ તેના દ્વારા ભૂતકાળમાં આપવામાં આવેલા તમામ દેશો આપોઆપ અમાન્ય થઈ જતા નથી.

ઉપરાંત, અદાલતે એ બાબત પણ ટાંકી હતી કે કલેક્ટર અગાઉથી જ અદાલતની અવમાનના (Contempt of Court) કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, જેમાં 29 એપ્રિલના આદેશ દ્વારા તેમની સામે આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે સામાન્ય વહીવટ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવને આ કેસમાં પક્ષકાર તરીકે જોડ્યા છે અને 27 નવેમ્બરની સુનાવણી સુધીમાં કલેક્ટર સામે તપાસ અને પ્રસ્તાવિત કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યો.