નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટ લાલઘૂમ: સુરત મનપાના અધિકારીઓને ખુલાસો આપવાનો આદેશ, 27 નવેમ્બરે સુનાવણી

સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ. વૈકલ્પિક આવાસની બાંહેધરીમાંથી ફરી જવાના મુદ્દે મનપાના અધિકારીઓને 27 નવેમ્બરે રૂબરૂ હાજર રહી ખુલાસો આપવા આદેશ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 24 Oct 2026 10:52 AM (IST)Updated: Sat, 24 Oct 2026 10:52 AM (IST)
surat-nasirnagar-demolition-gujarat-high-court-smc-commissioner-27-november-hearing

Nasirnagar Demolition Case: સુરતમાં નાસીરનગરમાં ગેરકાયદેસર રીતે મકાન તોડી પાડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુરતન મનપાના ઉચ્ચ અધિકારીઓ સામે આકરુ વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટમાં આપેલી ખાતરીમાંથી ફરી જવા બદલ જસ્ટિસ નિખિલ કેરીયલે એસએમસી કમિશનર, કલેક્ટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આગામી સુનાવણીમાં રુબરુ હાજર રહી ખુલાસો કરવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટની કડક ટકોર

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સત્તાધીશો અને અધિકારીઓ સામે તીખા સવાલો કરતાં ટકોર કરી હતી. કે નાગરિકોના ઘર કાયદાકીય પ્રક્રિયા વગર તોડી પાડવામાં આવ્યા છે. તેઓ ક્યાં જશે? નાસીરનગરમાં મકાનો તોડી આપવામાં આવતાં લોકોને વૈકલ્પિક મકાનો આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક આવાસ ન ફાળવવામાં આવતાં હાઈકોર્ટની અવમાનનાની સ્થિતિ ઉભી થઈ છે.

નિર્ણય બદલતાં હાઇકોર્ટ નારાજ

ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે, સુરત મનપાએ હાઈકોર્ટને આશ્વાસન આપ્યું કે, ઘર ગુમાવનારા દરેક નાગરિકને વૈકલ્પિક આવાસ આપવામાં આવશે, ત્યારબાદ અચાનક જ મનપાએ આપેલી બાંહેધરીમાંથી છટકવાનો નવો દાવ કર્યો. તેથી હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે, અધિકારીઓએ રુબરુ કોર્ટમાં હાજર રહીને તેમનો પક્ષ રજૂ કરવો પડશે.

કેસની સુનાવણી ક્યારે થશે?

હાઈકોર્ટના જણાવ્યા પ્રમાણે, સુરત મનપાના અધિકારીઓના વલણમાં આવેલા ફેરફાર અંગે વકીલ અસરકારક રીતે ખુલાસો કરી શકે તેમ નથી. આ સાથે જ મનપાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની દલીલો ફગાવી દઈને 27 નવેમ્બરે સુનાવણીનો આદેશ કર્યો છે. ત્યારે અધિકારીઓએ આ અંગે ખુલાસો આપવો પડશે.