Surat Nasirnagar Demolition: સુરતના ચર્ચિત અને 'ભૂતિયા ડિમોલિશન' તરીકે વિખ્યાત નાસીરનગર પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટની આકરી ટકોર અને ફટકાર બાદ રાજ્ય સરકારે આખરે કડક પગલાં લીધા છે. સોમવારે, 11 ઓગસ્ટ 2026ના રોજ સામાન્ય વહીવટ વિભાગે તાત્કાલિક અસરથી આદેશ જારી કરીને સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરી દીધી છે. નાસીરનગરમાં કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વિના કરાયેલા ગેરકાયદે ડિમોલિશન સામે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
હાઈકોર્ટના આકરા વલણના 22 દિવસે ત્રાટક્યા આદેશ
ગયા મહિને 20 જુલાઈના રોજ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કમિશનરની ભારે ઝાટકણી કાઢી હતી. કોર્ટે વેધક સવાલ ઉઠાવ્યો હતો કે, "ગેરકાયદે ડિમોલિશન મામલે નાના કર્મચારીઓ સસ્પેન્ડ થઈ શકતા હોય, તો મ્યુનિસિપલ કમિશનર પોતાના હોદ્દા પર કેવી રીતે બહાલ રહી શકે?" હાઈકોર્ટના આ સખત સવાલોના 22 દિવસ બાદ સરકારે કમિશનર સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
અધિકારીઓની ફેરબદલ અને નવો હવાલો
રાજ્ય સરકારના સત્તાવાર નોટિફિકેશન મુજબ:
- એમ. નાગરાજન: તેમને ગાંધીનગર ખાતે 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે મોકલી દેવાયા છે.
- તેજસ દિલીપભાઈ પરમાર: સુરતના વર્તમાન જિલ્લા કલેક્ટર તેજસ પરમારને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
- રંજીથ કુમાર જે.: સમગ્ર શિક્ષા અભિયાનના પૂર્વ ડિરેક્ટર રંજીથ કુમાર જે.ની ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC), ગાંધીનગરના સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ છે.
હવે SOG ડીસીપી સામે પગલાં લેવાશે?
નાસીરનગર કેસમાં હાઈકોર્ટે માત્ર મ્યુનિસિપલ કમિશનર જ નહીં, પરંતુ SOG ડીસીપી રાજદીપસિંહ નકુમની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હવે જ્યારે કમિશનરની બદલી થઈ ચૂકી છે, ત્યારે સૌની નજર ડીસીપી સામે સરકારના આગામી વલણ પર ટકેલી છે. આગામી 14 ઓગસ્ટે હાઈકોર્ટમાં આ કેસની વધુ એક મહત્વની સુનાવણી હાથ ધરાશે.
શું હતો સમગ્ર 'ભૂતિયા ડિમોલિશન' વિવાદ?
29 અને 30 મે, 2026ના રોજ સુરતમાં વેડ દરવાજા પાસે આવેલી નાસીર નગર વસાહતમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અચાનક 100 જેટલા મકાનો જમીનદોસ્ત કરી દેવાયા હતા. કોઈપણ પ્રકારની કાયદાકીય નોટિસ વિના થયેલી આ કાર્યવાહીને ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવવામાં આવ્યું હતું. પીડિતો હાઈકોર્ટ પહોંચતા આ સમગ્ર કૌભાંડ અને અધિકારીઓની મનમાની બહાર આવી હતી.
