Nasirnagar Demolition Case: સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના સત્તાધીશોની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કાયદા વિરુદ્ધ જઈને કરવામાં આવેલી આ કામગીરી માટે જવાબદાર અધિકારીઓ પાસેથી ખર્ચ વસૂલવો જોઈએ અને પીડિતો પર આર્થિક ભાર નાખવો જોઈએ નહીં.
સિનિયર અધિકારીઓને કેમ સ્પેશિયલ ટ્રીટમેન્ટ?
ગુજરાત હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર અને DCP રાજદીપસિંહ નકુમ હજુ સુધી હોદ્દા પર કેમ ચાલુ છે તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. હાઈકોર્ટે માર્મિક ટકોર કરી કે જ્યારે કોઈ જુનિયર અધિકારી ભૂલ કરે છે ત્યારે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, તો પછી સિનિયર અધિકારીઓને કેમ છાવરવામાં આવી રહ્યા છે? ગુજરાત જેવા મોડેલ સ્ટેટની છબીને ખરડાવા દેવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ ચેતવણી હાઈકોર્ટે આપી છે.
પીડિતોને મફત આશ્રય અને પુનઃવસનનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે સાફ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, સુરત મહાનગરપાલિકાએ અસરગ્રસ્તોને ફ્રી ઘર બનાવી આપવા જોઈએ અથવા નવા ઘર આપવા જોઈએ. પુનઃવસનના નામે પીડિતો પાસેથી પૈસા માંગવા સામે પણ હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો હતો.
વધુમાં હાઈકોર્ટે અવલોકન કર્યું કે, આપણો દેશ સામંતશાહી મુજબ નહીં, પરંતુ લોકશાહી અને બંધારણ મુજબ ચાલે છે. કાયદા મુજબ નોટિસ આપ્યા વગર કોઈનું પણ ઘર તોડી શકાય નહીં. કોર્ટે SMC કમિશનરને આદેશ આપ્યો કે જો જગ્યા ન હોય તો 'તંબુ ભાડે લો', પણ વિસ્થાપિત પરિવારોને આશ્રય આપવો એ પ્રાથમિક ફરજ છે.
સરકારનો પક્ષ અને તપાસ સમિતિ રિપોર્ટને નિર્દેશ
બીજી તરફ સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવી હતી કે અસરગ્રસ્તો પુનઃવસન માટે સહકાર આપતા નથી અને આવાસના ફોર્મ ભરવા તૈયાર નથી. જોકે, હાઈકોર્ટે જણાવ્યું કે સિનિયર અધિકારીઓની તપાસ કમિટી આ સમગ્ર પ્રકરણમાં મહાનગરપાલિકા તંત્ર, પ્રાઈવેટ પાર્ટી અને પોલીસની ભૂમિકાની તપાસ કરશે.
રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓની તપાસ કમિટી બનાવી છે, જેનો રિપોર્ટ 18 સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સિનિયર અધિકારીઓને છાવરવાનો કોઈપણ પ્રયાસ ચલાવી લેવામાં આવશે નહીં.
