માતા-પિતાના છૂટાછેડા છતાં બાળકનો પિતાની વડીલોપાર્જિત સંપત્તિ પર હક્ક યથાવત: અમદાવાદ કોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે માતા-પિતાના છૂટાછેડા થયા હોય તો પણ બાળકનો પિતાની વડીલોપાર્જિત સંપત્તિમાં હક્ક યથાવત રહે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 09 Sep 2026 11:11 AM (IST)Updated: Wed, 09 Sep 2026 11:11 AM (IST)
ahmedabad-court-childs-right-to-ancestral-property-after-divorce

Ahmedabad News: માતા-પિતાએ કોર્ટમાં છૂટાછેડા લીધા હોય તો પણ પિતાની વારસાઇ સંપતિમાં બાળકનો હક્ક યથાવત્ત રહે તેવો માર્ગદર્શક ચુકાદો અમદાવાદની સિટી સિવિલ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. સિટી કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, કોર્ટમાં માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા છે અને માતાએ તેમના પતિ અને સાસરિયાની સંપતિમાંથી મળનારુ વળતર અને હક જતો કરી દીધો હોય તો પણ સંતાનના વારસા હક પર કોઇ અસર પહોંચતી નથી.

સિવિલ કોર્ટે દીકરીના પક્ષમાં ચુકાદો આપ્યો

કોર્ટે આગળ સ્પષ્ટતા કરી કે, સંયુક્ત હિન્દુ કુટુંબની પારીવારિક સંપતિમાં સંતાનો હક્ક યથાવત રહે છે. આ કેસની વિગતે વાત કરીએ તો, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એક પરિવારની પારીવારિક સંપતિમાં બંગલાની મિલકત અંગે વર્ષ 2013માં સગીર દીકરીના વારસાઈ હક માટે મતાએ સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. આ કેસની 12 વર્ષની લડતમાં કોર્ટે તમામ પુરાવાઓ, વકીલોની દલીલો અને કાયદાકીય જોગવાઇઓને ધ્યાને રાખીને દીકરીના પક્ષે ચુકાદો આપ્યો છે.

પિતાએ કોર્ટમાં રજૂઆત કરી

પિતા તરફથી વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, પિતાએ માતા સાથે છૂટાછેડા લીધેલ છે, અને હયાત છે. તો સંતાન પિતાની મિલકતમાંથી હિસ્સો માંગવાનો હકદાર નથી. જોકે, કોર્ટે પિતાની રજૂઆતને ફગાવી દઈને હિન્દુ વારસા ધારા 2005ની કલમ 6 હેઠળ જણાવ્યું કે, સંયુક્ત હિન્દુ પરિવારની સંપતિમાં બાળકનો હક્ક તેના જન્મની સાથે જ સ્થાપિત થઈ જાય છે. પિતા હયાત હોય તેમ છતા બાળક તેના દાદાની વડીલોપાર્જિત સંપતિમાં હિસ્સો માંગવા હક્કદાર છે.