SG Highway Road Reopened: આવતીકાલથી નવરાત્રીના પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદીઓ માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં છેલ્લા દોઢેક વર્ષથી બંધ કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો રસ્તો આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદના એસ.જી. હાઈવે પર છેલ્લા બે વર્ષથી બ્રિજના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જેના પગલે કર્ણાવતી ક્લબથી YMCA સુધીનો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ માર્ગ દિવાળી સુધી ખુલ્લો મૂકવાનો હતો.
જો કે એસ.જી હાઈવે, એસ.પી રિંગ રોડ, સિંધુ ભવન, બોપલ, શેલા, ભાડજ, સહિતના વિસ્તારોમાં અનેક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ગરબા રસિકો ટ્રાફિક જામમાં ના ફસાય, તે માટે તંત્ર દ્વારા આ બ્રિજને નવરાત્રીના પહેલા જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.
આ અંગે વિગતો આપતા અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે, હજુ સુધી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જો કે NHAI સાથે સંકલન સાધીને અઠવાડિયામાં બ્રિજની નીચેનો રસ્તો રિપેર કરાવવામાં આવ્યો હતો. જે બાદ એન્જિનિયર તરફથી માર્ગ સુરક્ષિત હોવાની ખાતરી મળ્યા બાદ આખરે રસ્તો ખોલી દેવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, નવરાત્રીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. જો કે હવે રસ્તો ખુલ્લો મૂકી દેવામાં આવવાથી અહીં લોકોને ટ્રાફિક જામમાં નહી ફસાવવું પડે અને તેમને મોટી રાહત મળશે.
જણાવી દઈએ કે, આ રોડ પરથી દરરોજ બે લાખ જેટલા વાહનો પસાર થાય છે. જો કે રોડ બંધ હોવાથી તેમને લાંબુ ચક્કર મારીને જવું પડતું હતુ. જો કે આજથી રોડ પર વાહનોની અવરજવર શરૂ થઈ જવાથી તેમને ફરવું નહી પડે.
