Kirtidan Gadhvi Navratri Dome Collapse Ahmedabad: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ખેલૈયાઓ ગરબે ઘુમવા થનગની રહ્યા છે, ત્યારે નવરાત્રી પહેલા એક મોટી દુર્ઘટના ટળી છે. જેમાં અમદાવાદમાં આયોજિત ગરબા મહોત્સવના ભવ્ય ડોમનો એક ભાગ અચાનક બેસી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના એસ.પી. રિંગરોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં ગુજરાતના જાણીતા ગાયક કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રી'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રવિવારથી શરૂ થઈ રહેલી નવરાત્રીને પગલે આયોજન સ્થળ પર બે મહિનાની મહેનતે બનાવવામાં આવેલા AC ડોમમાં આજે શ્રમિકો કામકાજ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ડોમનો એકભાગ બેસી ગયો હતો.
કોઈ જાનહાનિ કે ઈજા નહીં
આ ઘટના અંગે સરખેજ પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, ગરબા રમવા માટે બનાવેલો 300 થી 400 સ્ક્વેર ફૂડનો ડોમ કેવી રીતે ધરાશાયી થયો, તેનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી
બીજી તરફ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ગરબાનો ડોમ ધરાશાયી થવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં જઈને જોયું તે, ડોમનો એક તરફનો ભાગ બેસી ગયો હતો. ડોમ બનાવવા માટેના પાયા જમીનમાં વ્યવસ્થિત ઊંડા ના ઉતાર્યા હોવાથી તે બેસી ગયો હોવાનું અનુમાન છ.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રી પહેલા ડોમ ધરાશાયી થયો છે. જેથી ખેલૈયાઓ ના હોવાથી મોટી હોનારત ટળી છે. આ ઘટનાના પગલે નવરાત્રિના શિડ્યૂલ પર પણ અસર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
