Ahmedabad Traffic: અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે (SG હાઈવે) પર રોજિંદા ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે તંત્ર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા પકવાન ચાર રસ્તાને સિગ્નલ ફ્રી બનાવવાની દિશામાં કામગીરી તેજ કરવામાં આવી છે. નવા ટ્રાફિક વ્યવસ્થાપન મુજબ આ જંક્શન પર સીધી અવરજવર બંધ કરીને વાહનચાલકોને ફ્રી લેફ્ટ અને કેપ્સ્યુલ યુ-ટર્નનો વિકલ્પ આપવામાં આવશે.
SBR અને બોડકદેવ તરફથી આવતા-જતા વાહનો માટે બદલાશે રૂટ
પકવાન ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તૈયાર કરાયેલા નવા આયોજન હેઠળ બંને તરફથી સીધી અવરજવર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને સિંધુ ભવન રોડ (SBR) અને બોડકદેવ તરફથી થતી સીધી મુવમેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ રૂટ પર અવરજવર કરતા વાહનચાલકોએ હવે સીધા પસાર થવાને બદલે નિર્ધારિત યુ-ટર્ન અને ફ્રી લેફ્ટનો ઉપયોગ કરવો પડશે, જેથી જંક્શન પર વાહનોનો ભરાવો ન થાય.
ફ્રી લેફ્ટ અને કેપ્સ્યુલ યુ-ટર્નની સુવિધા
ટ્રાફિકને અવિરત રાખવા માટે પકવાન ચાર રસ્તા આસપાસ માળખાગત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત-
- ફ્રી લેફ્ટની વ્યવસ્થા: ડાબી બાજુ વળવા ઈચ્છતા વાહનચાલકો સિગ્નલ વગર સરળતાથી આગળ વધી શકે તે માટે ફ્રી લેફ્ટની સુવિધા ઊભી કરાશે.
- કેપ્સ્યુલ યુ-ટર્ન અને કટ: ફ્લાયઓવરની નજીક કેપ્સ્યુલ કટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી વાહનોને વળાંક લેવામાં પૂરતી જગ્યા અને સુવિધા મળી રહે.
SG હાઈવે પર ચોથું સિગ્નલ ફ્રી જંક્શન, સમય અને ઇંધણની થશે બચત
એસ.જી. હાઈવે પર પકવાન ચાર રસ્તા સિગ્નલ ફ્રી બન્યા બાદ તે આ હાઈવે પરનું ચોથું સિગ્નલ ફ્રી જંક્શન બનશે. દરરોજ આ માર્ગ પરથી હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. પીક અવર્સ દરમિયાન સિગ્નલ પર લાંબી કતારો લાગતી હોવાથી વાહનચાલકોનો કિંમતી સમય અને ઇંધણ બંને બગડતા હતા. નવા ટ્રાફિક પ્લાનના અમલથી મુસાફરોને લાંબા સમય સુધી સિગ્નલ પર ઊભા રહેવામાંથી રાહત મળશે અને સમગ્ર એસ.જી. હાઈવે પર વાહનોની ગતિ જળવાઈ રહેશે તેવી અપેક્ષા છે.
