Ahmedabad Shopping Festival 2026-27 Start Date: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ખરીદી, મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 25 ડિસેમ્બર, 2026થી તા. 17 જાન્યુઆરી, 2027 સુધી યોજાનારા આ ફેસ્ટિવલ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો ખરીદીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાણી-પીણી અને મનોરંજનનો આનંદ માણી શકશે. શહેરના વેપાર-ધંધાને વેગ આપવા તેમજ સ્થાનિક વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
6 થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ તૈયાર કરાશે
આ વર્ષના શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદમાં 6 થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ તૈયાર કરવામાં આવશે. દરેક શોપિંગ ડિસ્ટ્રિક્ટને એક વિશિષ્ટ થીમ આપવામાં આવી છે, જેથી નાગરિકોને તેમની પસંદગીની વસ્તુઓ એક જ સ્થળે અને આકર્ષક વાતાવરણમાં મળી રહે. આ અંતર્ગત સિંધુભવન રોડ ખાતે ફેશન સ્ટ્રીટ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર સ્ટ્રીટ, નિકોલ ખાતે ક્રાફ્ટ સ્ટ્રીટ, વસ્ત્રાપુર ખાતે સેન્ટ્રલ પાર્ક, માણેકચોક અને રતનપોળ ખાતે હેરિટેજ પોલ સ્ટ્રીટ તથા સી.જી. રોડ ખાતે જ્વેલરી સ્ટ્રીટની થીમ આધારિત શોપિંગ ડિસ્ટ્રિક્ટ તૈયાર કરવામાં આવશે.
શહેરના 7 શોપિંગ હોટસ્પોટ નક્કી કરાયા
આ ઉપરાંત શોપિંગ ફેસ્ટિવલને વધુ વ્યાપક બનાવવા માટે શહેરના 7 શોપિંગ હોટસ્પોટ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં પેલેડિયમ મોલ, બોપલ-આંબલી રોડ, રાજપથ રંગોલી રોડ, લો ગાર્ડન, કાંકરિયા, વિસ્તૃત ચાંદખેડા-મોટેરા વિસ્તાર તેમજ કંકુ બાગ મોલ અને દેવ મોલ (વસ્ત્રાલ)નો સમાવેશ થાય છે. આ સ્થળોએ પણ ફેસ્ટિવલ અંતર્ગત વિવિધ શોપિંગ અને મનોરંજનલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
શોપિંગ સ્ટ્રીટ્સની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે
આ વર્ષના અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2026-27નું વિશેષ આકર્ષણ શહેરની છ અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા છ થીમ આધારિત શોપિંગ સ્ટ્રીટ્સની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. આ અંતર્ગત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) દ્વારા સિંધુભવન રોડ ખાતે ફેશન સ્ટ્રીટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર સ્ટ્રીટ, CEPT યુનિવર્સિટી દ્વારા નિકોલ ખાતે ક્રાફ્ટ સ્ટ્રીટ, નિર્મા યુનિવર્સિટી દ્વારા વસ્ત્રાપુર ખાતે સેન્ટ્રલ પાર્ક, અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા માણેકચોક અને રતનપોળ ખાતે હેરિટેજ પોલ સ્ટ્રીટ તથા કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા સી.જી. રોડ ખાતે જ્વેલરી સ્ટ્રીટની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. આ પહેલના માધ્યમથી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ડિઝાઇન કૌશલ્યને શહેરના શોપિંગ ફેસ્ટિવલ સાથે જોડીને નાગરિકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવશે.
નાગરિકોને આકર્ષક ઇનામો જીતવાની તક મળશે
આ ઉપરાંત, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2026-27માં ખરીદી કરતા નાગરિકો માટે રેફલ અને લકી ડ્રોનું પણ વિશેષ આયોજન કરવામાં આવશે, જેના માધ્યમથી નાગરિકોને આકર્ષક ઇનામો જીતવાની તક મળશે. તા. 25 ડિસેમ્બર, 2026થી તા. 17 જાન્યુઆરી, 2027 સુધી ચાલનારા આ 24 દિવસીય ફેસ્ટિવલમાં ખરીદી, સર્જનાત્મકતા, મનોરંજન અને આકર્ષક ઇનામોનો સમન્વય જોવા મળશે.
મનપા દ્વારા ઓનલાઈન પાસ બુકિંગની સુવિધા
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં નાગરિકોની સહભાગિતા વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન પાસ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફેસ્ટિવલમાં ભાગ લેવા ઇચ્છતા નાગરિકો https://ahmedabadshoppingfestival2026.com/pass-booking લિંક મારફતે પોતાનો પાસ બુક કરાવી શકશે. આ ઉપરાંત વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ પણ https://ahmedabadshoppingfestival2026.com/business-registration લિંક પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
ઓનલાઈન વેબસાઇટ ઉપરાંત નાગરિકો અને વેપારીઓ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની એન્ડ્રોઇડ તથા iOS મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. અમદાવાદના વધુમાં વધુ નાગરિકો, વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ આ ફેસ્ટિવલમાં સહભાગી બને અને સ્થાનિક વેપાર-ધંધાને પ્રોત્સાહન મળે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન માધ્યમથી નોંધણી કરાવી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2026-27નો હિસ્સો બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.
