Ahmedabad School Stabbing: વિદ્યાર્થીની હત્યા કેસમાં સેવન્થ ડે સ્કૂલે DEOની નોટિસને હાઈકોર્ટમાં પડકારી, 9 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે

સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ, વહીવટી હેડ અને જવાબદાર સ્ટાફને નોકરીમાંથી બરતરફ કરવા તેમજ 15 જેટલા ડોક્યુમેન્ટ નિર્ધારિત સમયમાં સબમિટ કરવાનો હુકમ કર્યો હતો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 05 Sep 2025 11:32 PM (IST)Updated: Fri 05 Sep 2025 11:32 PM (IST)
ahmedabad-school-stabbing-seventh-day-school-petition-in-gujarat-high-court-against-deo-order-598201
HIGHLIGHTS
  • ગયા મહિને જ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી
  • વિદ્યાર્થીની હત્યા કેસમાં સ્કૂલની ગંભીર બેદરકારી જણાતા DEOએ નોટિસ ફટકારી

Ahmedabad School Stabbing: ગયા મહિને શહેરના મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરવાના બનાવ મામલે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એવામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં આવેલી નોટિસને લઈને સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

હકીકતમાં અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં સ્કૂલની જ બેદરકારી હોવાના પગલે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ જી.ઈમેન્યુઅલ, વહીવટી વડા મયુરિકા પટેલ તેમજ જવાબદાર સ્ટાફને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ સાથે જ સ્કૂલને ધો.1 થી 12 માટેની માન્યતા, ICSE બોર્ડનું NOC, BU પરમિશનની પ્રમાણિત નકલો સહિત 15થી વધુ ડોક્યુમેન્ટ સબમિટ કરવા આદેશ આપ્યો હતો. જો સ્કૂલ નિર્ધારિત સમયમાં ડોક્યૂમેન્ટ સબમિટ ના કરે, તો એક તરફી કાર્યવાહી કરીને સ્કૂલની માન્યતા રદ્દ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે, તેવી ચેતવણી આપવામાં આવી હતી.

જે બાદ સેવન્થ ડે સ્કૂલના એક્ટિંગ પ્રિન્સિપાલ દ્વારા DEOની નોટિસ અને તપાસ સમિતિની રચનાની કાયદેસરતાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ પિટિશનમાં ગુજરાત સરકાર અને DEOને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જેમાં DEO દ્વારા ડોક્યુમેન્ટ સબમીટ કરવાના આદેશને અયોગ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આજે જસ્ટિસ નિખિલ કરિયલની બેંચ સમક્ષ આ અરજીની સુનાવણી હાથ ધરાવાની હતી. જો કે સ્કૂલના સિનિયર કાઉન્સેલ ગેરહાજર રહેતા હવે આગામી 9 સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી હાથ ધરાશે.