Raju Thakkar Custodial Death Case: વર્ષ 2013ના ચકચારી રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એડિશનલ સેશન્સ જજ એમ.પી. પુરોહિતની કોર્ટે ચુકાદો સંભળાવતા એક PSI અને અન્ય પોલીસકર્મી સહિત કુલ સાત આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે, ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
શું છે રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસ?
સમગ્ર કેસની વિગત મુજબ, વર્ષ 2013માં સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસે ચોરાયેલ મોબાઇલ ટ્રેસ કર્યો હતો, જે આશાબેન રાજુભાઈ ઠાકરના નામે રજિસ્ટર્ડ હોવાનું બહાર આવ્યું હતું. આના આધારે, રાજુ ઉર્ફે કાંતિ ઠાકરે જ ચોરી કરી હોવાની શંકા રાખીને પોલીસ તેને બાપુનગર પોલીસ સ્ટેશન હસ્તકની 'અજીતમીલ ચોકી' લઈ ગઈ હતી.
આક્ષેપ હતો કે અહીં ચોરીની કબૂલાત કરાવવા માટે રાજુ ઠાકરને ગેરકાયદેસર અટકાયતમાં રાખીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ગંભીર કેસમાં PSI સહિત આઠ પોલીસકર્મીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, રાજુ ઉર્ફે કાંતિ ઠાકર અગાઉ ચોરીના ગુનામાં પકડાયો હતો.
આરોપ સાબિત કરવામાં નિષ્ફળતા
કોર્ટની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન પક્ષ આરોપીઓ વિરુદ્ધ હત્યા, ગેરકાયદે અટકાયત અને પુરાવાનો નાશ કરવા જેવા ગંભીર આરોપ સાબિત કરવા પૂરતા અને સચોટ પુરાવા રેકોર્ડ પર લાવી શક્યો નહોતો.
મોટાભાગના સાક્ષીઓ હોસ્ટાઈલ થયા
કોર્ટમાં મોટાભાગના પંચ સાક્ષીઓ અને સ્વતંત્ર સાક્ષીઓ હોસ્ટાઈલ (ફરી જવું) થયા હતા. સાક્ષીઓએ આરોપીઓને ઓળખવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી, જેથી ઓળખ પરેડ સાબિત થઈ શકી નહોતી. આ ઉપરાંત, મેડિકલ પુરાવા અને FSL ટીમના રિપોર્ટ પણ આરોપીઓની સીધી સંડોવણી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
નિર્દોષ છૂટ્યા PSI સહિત 7 પોલીસકર્મી
કોર્ટે પુરાવાના અભાવે જે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, આ કેસમાં 8મા આરોપી અશોકભાઈ નટવરલાલ ભટ્ટનું કેસની સુનાવણી દરમિયાન જ અવસાન થયું હોવાથી તેમના પૂરતો કેસ અબેટ (રદ) કરવામાં આવ્યો હતો.
- બાબુ પટેલ (PSI)
- ધર્મેન્દ્રસિંહ રાણા
- કાનજી વિહોલ
- ભદ્રેશસિંહ જાડેજા
- જગદીશ પટેલ
- મુકેશ પટેલ
- ધીરજ દેસાઈ
આખરે 13 વર્ષ લાંબી કાનૂની લડત બાદ પુરાવાના અભાવે તમામ જીવિત આરોપીઓ નિર્દોષ છૂટતા પોલીસ બેડામાં રાહત જોવા મળી છે.
