Ahmedabad: ચાંદખેડામાં ધોળા દિવસે બાળક ઉઠાવવાનો પ્રયાસ, સ્થાનિકોએ શંકાસ્પદ યુવકને ઝડપી મેથીપાક ચખાડ્યો

સ્થાનિકોએ શંકાસ્પદ યુવકને ચાંદખેડા પોલીસને સોંપ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 25 Apr 2026 08:31 AM (IST)Updated: Sat, 25 Apr 2026 08:31 AM (IST)
ahmedabad-child-kidnapping-attempt-failed-in-chandkheda-accused-arrested
HIGHLIGHTS
  • ચાંદખેડામાં બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ
  • સ્થાનિકોએ શંકાસ્પદ યુવકને મેથીપાક ચખાડ્યો

Ahmedabad child kidnapping attempt: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધોળા દિવસે 7 વર્ષના બાળકને ઉઠાવી જવાનો એક નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે. બપોરના સમયે છાશ લેવા નીકળેલા બાળકનું અપહરણ થાય તે પહેલાં જ સ્થાનિકોની સમયસૂચકતા અને સતર્કતાથી બાળકનો આબાદ બચાવ થયો છે. લોકોએ શંકાસ્પદ યુવકને પકડી પાડી પોલીસને હવાલે કર્યો છે.

છાશ લેવા નીકળેલા બાળકને નિશાન બનાવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં આવેલી જી.એસ.સી. કો-ઓપરેટિવ બેંક પાસેની સોસાયટીમાં રહેતો એક સાત વર્ષનો બાળક બપોરના સમયે પોતાના ઘર નજીક છાશ લેવા જઈ રહ્યો હતો. બરાબર આ જ સમયે ઉત્તર પ્રદેશનો શિવમ યાદવ નામનો યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, અને તેણે બાળકને એકલો જોઈ પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિકોએ યુવકને જાહેરમાં ઢોર માર માર્યો

આરોપી યુવક જ્યારે બાળકને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો, ત્યારે આસપાસના લોકોનું ધ્યાન તેના પર ગયું હતું. બનાવની ગંભીરતા સમજીને સ્થાનિકોએ તરત જ શિવમને અટકાવ્યો અને બાળકની પૂછપરછ કરીને તેને સહીસલામત મુક્ત કરાવ્યો હતો. આ ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના કપડાં ઉતારીને જાહેરમાં તેને ઢોર માર માર્યો. બાદમાં આ મામલે ચાંદખેડા પોલીસને જાણ કરી હતી.

આરોપી અટકાયત અને તપાસનો ધમધમાટ

સમગ્ર ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપી શિવમ યાદવની અટકાયત કરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે પકડાયેલો આરોપી અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે કે કેમ, અને બાળકને ઉઠાવી જવા પાછળ તેનો ચોક્કસ ઈરાદો શું હતો. 

PI જયેશ મકવાણાએ જણાવ્યું કે,'યુવક ખરેખર બાળકનું અપહરણ કરવાના ઈરાદે લઈ જતો હતો કે અન્ય કોઈ કારણ હતું, તે દિશામાં CCTV ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે. હાલ બાળક અને આરોપી શિવમની પૂછપરછ કરવામાં આવી રહી છે.' ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.