Ahmedabad: ચાંદખેડા ખીરું કેસમાં માતા-પિતાનું નિવેદન બદલાયું, જાણો FSL રિપોર્ટમાં શું આવ્યું?

આ મામલે ચાંદખેડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 18 Apr 2026 02:11 PM (IST)Updated: Sat, 18 Apr 2026 02:11 PM (IST)
ahmedabad-chandkheda-dosa-case-fsl-report-parents-statement-update
HIGHLIGHTS
  • ચાંદખેડા ઢોસા કાંડમાં નવો વળાંક
  • બે મૃત બાળકીના FSL રિપોર્ટ આવ્યા
  • મૃતકના માતા-પિતાએ નિવેદન બદલ્યા

Chandkheda Dosa Batter Case: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિના પરિવારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોત મામલે 15 દિવસ બાદ પણ રહસ્ય અકબંધ છે. હવે આ કેસમાં FSL રિપોર્ટ અને માતા-પિતાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેથી પોલીસ તપાસનું કોકડું વધુ ગૂંચવાયું છે.

મૃતક બાળકીઓનો FSL રિપોર્ટ આવ્યો

આ ઘટનાના 15 દિવસ બાદ આખરે FSL રિપોર્ટ આવ્યો છે, જેમાં બંને મૃતક બાળકીના શરીરમાંથી કોઈ પણ પ્રકારનો શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી. અત્યાર સુધી અમદાવાદ પોલીસ 'FSL રિપોર્ટ આવશે ત્યારે સત્ય બહાર આવશે' તેમ કહીને તપાસ આગળ વધારી રહી હતી. પરંતુ રિપોર્ટ નોર્મલ આવતા હવે પોલીસ તપાસ વધુ ગૂંચવાણી છે.

પૂછપરછમાં માતા-પિતાએ બદલી થીયરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૃતક બાળકીના માતા-પિતાની બે કલાક જેટલી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી મોટો વળાંક એ છે કે, માતા-પિતાના નિવેદન હવે અલગ-અલગ આવી રહ્યા છે. અગાઉ ઘનશ્યામ ડેરીમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હોવાની વાત હતી. પરંતુ હવે પૂછપરછમાં માતા-પિતા કહી રહ્યા છે કે તેઓએ ખીચડી અને ચોકલેટ ખાધી હતી.

ડાયરીમાં છુપાયેલા છે મોતના રહસ્યો?

તપાસ દરમિયાન પોલીસને મૃતકના ઘરમાંથી માતા ભાવનાબેનની એક ડાયરી મળી હતી, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે શિવ મંદિરની માનતા રાખ્યાનો અને પ્રાર્થના કર્યાનો ઉલ્લેખ છે. જોકે, ભાવનાબેને પોલીસને જણાવ્યું કે તેમને પહેલેથી એક દીકરી હતી અને બીજું બાળક દીકરો આવે તો પરિવાર પૂર્ણ થાય તેવી દરેક મધ્યમવર્ગીય પરિવારની એક સામાન્ય ઈચ્છા હતી.

હાલ આ બાબતને કોઈ અંધશ્રદ્ધા સાથે સીધી રીતે સાંકળવામાં આવી નથી, પરંતુ પોલીસ પારિવારિક ઝઘડા, આર્થિક સંકડામણ અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા જેવા એંગલથી પણ તપાસ કરી રહી છે. અગાઉ 3 મહિનાની બાળકીનો મૃતદેહ દફનાવ્યાના 4 દિવસ બાદ 7 એપ્રિલના રોજ FSL ટીમની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યો હતો.

FSL ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની તપાસ

આ અગાઉ, FSL ટીમે મૃતક બાળકીના ઘરમાં ઝીણવટભરી તપાસ કરીને ચાદર, કપડાં, ખીરું ભરેલું વાસણ અને બાળકોની દવાઓ જપ્ત કરી હતી. આ ઉપરાંત ઘનશ્યામ ડેરીમાંથી ખીરાના સેમ્પલ પણ લેવાયા હતા. હાલ તો FSL રિપોર્ટ અને માતા-પિતાના વિરોધાભાસી નિવેદન વચ્ચે ચાંદખેડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ બાળકીઓના મોતનું કારણ શોધવાની મથામણ કરી રહી છે.