Ahmedabad News: અમદાવાદમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખીને રાજકોટનો નિશાંત સોલંકી નામનો યુવક પશ્ચિમ અમદાવાદમાં કોકેન, મેથએમ્ફેટેમાઈન,અને હાઈબ્રિડ ગાંજા સહિતના ડ્રગ્સનો કારોબાર કરતો ઝડપાયો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, અમદાવાદ યુનિટની ટીમે ડ્રગ્સનો વેપલો ચલાવનારા નિશાંત સોલંકીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. યુવક જેની પાસેથી ડ્રગ્સ મેળવતો તેવા દિલ્હીના એક અને અમદાવાદમાં રહેતા બે શખ્સોના નામ મળતા ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે.
યુવક ડ્રગ્સનું વેચાણ કરતો હતો,
અમદાવાદ યુનિટની ટીમના પી.એ.આઈ. એમ.એન. આદરોજા અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ હસ્તકના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર, બોપલ વિસ્તારના આરોહી વિવીઆના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં નિશાંત ભાનુભાઈ સોલંકી (ઉં.વ. 42) નામનો યુવક નશીલા પદાર્થનો વેચાણ કરતો હોવાની બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ ટીમે દરોડો પાડ્યો ત્યારે તેને મળવા આવેલી મધ્યપ્રદેશના ગ્વાલિયરની પ્રિયા નામની યુવતી ત્યાં હાજર હતી.જેની કોઈ સંડોવણી જણાઈ નથી.
મૂળ રાજકોટના યુવક પાસેથી ડ્રગ્સ મળી આવ્યું
પોલીસે ફ્લેટમાં તપાસ કરતા એક કબાટમાંથી યુવકે પ્લાસ્ટિકનું બાસ્કેટ કાઢ્યું હતું. પ્લાસ્ટિકના બાસ્કેટમાંથી 8.88 ગ્રામ કોકેન, 102 ગ્રામ મેથએમ્ફેટેમાઈન ડ્રગ્સ, અને 46 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પડીકીઓ બનાવેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી છે. પોલીસે વધુમાં જણાવ્યુ કે, મૂળ રાજકોટનો નિવાસી અને ડિવોર્સ લીધેલો નિશાંત સોલંકી પરિવારથી છેલ્લા 3 મહિનાથી દૂર રહીને ત્રણ મહિના અગાઉ ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો.
યુવક 4 મોબાઈલથી ગ્રાહકોને ડ્રગ્સ પૂરુ પાડતો
યુવકનો ભાઈ અને પરિવારના બીજા સભ્યો પણ બોપલમાં બીજા ફ્લેટમાં રહે છે,નિશાંતને ડ્રગ્સની ટેવ લાગી હોવા ઉપરાંત પોતે પણ ચાર મોબાઈલ ફોનથી નક્કી કરેલા ગ્રાહકોને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડતો હતો. આરોપી યુવક ડ્રગ્સનો જથ્થો દિલ્હીના એક શખ્સ પાસેથી લાવતો હતો. તેમજ બેડરુમના પેટપલંગમાંથી આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતી બિયર 4 ટીન વ્હીસ્કી અને વોડકાની 6 બોટલો મળી આવી છે.
પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
યુવકે ફ્લેટ શૈલા ખાતે રહેતી મહિલા પાસેથી ભાડાકરાર કરીને રુ 33,000ના ભાડા પેટે લીધો હતો. યુવક પાસેથી કુલ ચાર મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી જેની પાસેથી ડ્રગ્સ મેળવતો તેવા સાન્દ્રા, રીક,અને ઘોસ્ટ નામના ત્રણેય શખ્સો તેમજ દારૂ જેની પાસેથી મેળવ્યો તેવા મેમ્કોના રહીશ અજય પટેલની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપી નિશાંત સોલંકી ઝડપાયા પછી પશ્ચિમ અમદાવાદમાં ચલાવાતી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થવાની શક્યતા વચ્ચે ANTF અમદાવાદ ઝોનના પી.આઈ. એન.બી. ડોડિયા દ્વારા કાર્યવાહી શરુ કરાઈ છે.
આરોપીએ બનાવટી નામોથી નંબર સેવ કર્યા
કોકેન, એમ.ડી ડ્રગ્સ અને હાઈબ્રિડ ગાંજાનો જથ્થો અડાલજમાં રહેતા સાન્દ્રા અને રીક નામના મોબાઈલ ફોનથી સંપર્કમાં રહેલા 2 મિત્રોની મદદથી દિલ્હીના ઘોસ્ટ ઉપનામ ધારણ કરેલા ઈસમ પાસેથી 20થી 25 દિવસ પહેલા ડ્રગ્સ લાવ્યાની કબૂલત કરી હતી. શાંતિગ્રામ ખાતે રહેતા તેના બે મિત્રો દ્વારા દિલ્હીના ડ્રગ્સ ડીલરનો સંપર્ક થયા હોવાની કેફિયત આપી છે. આ ત્રણ ઈસમોના નામ ટૂંકા અને બનાવટી નામોથી સેવ કર્યા હતા.
આરોપી યુવક પાસે મળેલો મુદ્દામાલ
- હાઈબ્રિડ ગાંજો 46.64 ગ્રામ. કિંમત 16,340 રૂપિયા
- કોકેન 8.88 ગ્રામ. કિંમત રૂ. 4.44 લાખ
- મેથએમ્ફેટેમાઈન 102.59 ગ્રામ. કિંમત રૂ. 10.25 લાખ
- વ્હીસ્કી-વોડકાની બોટલ - 6
- બિયર ટીન 24 નંગ
- ચાર મોબાઈલ ફોન
- 10 ઈન્સ્યુલિન સિરિંજ
