સરખેજમાં અકસ્માતની ઘટના 'ઑનર કિલિંગ' હોવાનો ઘટસ્ફોટ, યુવક સાથેનો વીડિયો વાયરલ થતાં ભાઈએ હથોડીના ઘા મારી બહેનનું ઢીમ ઢાળ્યું

અમદાવાદના સરખેજમાં 12 ઓગસ્ટે યુવતીના માર્ગ અકસ્માતમાં મોતની ઘટના 'ઑનર કિલિંગ' હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવતીનો વીડિયો વાયરલ થતાં સમાજમાં બદનામીની બીકે પિતા અને ભાઈએ હથોડી મારી હત્યા કરી અકસ્માતનો ઢોંગ રચ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 08 Sep 2026 11:15 PM (IST)Updated: Tue, 08 Sep 2026 11:15 PM (IST)
ahmedabad-news-cctv-exposes-honor-killing-disguised-as-bike-accident-in-sarkhej

Ahmedabad Honor Killing:  ગત 12 ઓગસ્ટના રોજ અમદાવાદના સરખેજ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં યુવતીના મોતની ઘટના હકીકતમાં 'ઑનર કિલિંગ' હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં સમાજમાં બદનામીની બીકે પિતા અને ભાઈએ હથોડીના ફટકા મારીને યુવતીની ઘાતકી હત્યા કરી નાંખી હતી. જે બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે યુવતીના મોતને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી અને બોપલની નિક્કી હોસ્પિટલમાં નોકરી કરતા સોફિયા (22) ગત 12 ઓગસ્ટના રાતે 11 વાગ્યાની આસપાસ પોતાના ભાઈ મોહમ્મદ હબીલ (38) સાથે બાઈક પર જઈ રહી હતી.

આ સમયે કેનાલ પાસે અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારતા પાછળ બેઠેલી સોફિયા નીચે પટકાઈ હતી. જેમાં સોફિયાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સોલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં બીજા દિવસે તેનું મોત નીપજ્યું હતુ. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ કેસની તપાસ કરી રહેલી પોલીસની ટીમે CCTV તપાસતા સ્થળ પર કોઈ અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ નહતી. આથી PSIને યુવતીનું મોત શંકાસ્પદ જણાતા તેમણે મૃતકના ભાઈની આગવી ઢબે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેણે પોતાના પિતા મહોમ્મદ ફારુખ (55)ની મદદથી બહેન સોફિયાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.


બહેનનો યુવક સાથે વીડિયો વાયરલ થતાં ભાઈએ હથોડીથી માથું ફોડી નાંખ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આજથી લગભગ ત્રણેક મહિના પૂર્વે મૃતક સોફિયાનો એક યુવક સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે સમાજમાં બદનામી થતાં પિતા-પુત્રએ સોફિયાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતુ.

આ માટે આરોપી હબીલ પહેલા પોતાના ગોડાઉનમાંથી લોખંડની હથોડી લઈને આવ્યો હતો અને તેને પેન્ટમાં સંતાડીને રાખી હતી. જે બાદ હબીલ અને પિતા ફારુખ દીકરી સોફિયાને બાઈક પર બેસાડીને ઘેલજીપુરા ગામ નજીક આવેલ સૂમસામ જગ્યાએ લઈ ગયા. જ્યાં હબીલે સોફિયાના માથામાં હથોડીના ઉપરાછાપરી ઘા મારતા તે સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગઈ હતી. આ સમયે પિતાએ પણ દીકરીને મારવામાં પુત્રની મદદ કરી હતી.

આટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ અજાણ્યા વાહન દ્વારા બાઈકને ટક્કર મારવાની સ્ટોરી ઉભી કરીને પોલીસમાં અકસ્માતનો કેસ નોંધાવ્યો હતો. હવે પોલીસને ગેરમાર્ગે દોરવા અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપ હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હત્યારા પિતા-પુત્રની ધરપકડ કરી છે.