Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલમાં એક યુવકે લાકડાના આડેધડ ફટકા મારીને પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતકની પત્નીની ફરિયાદના આધારે કલોલ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૈસા બાબતે પતિએ પત્નીને મારતા તેમણે પુત્રને ફરિયાદ કરી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ફરિયાદી મધુબેન પ્રજાપતિ કલોલની સંકલ્પ રેસિડન્સીમાં 6 મહિના પહેલા જ અમેરિકાથી આવેલા પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે. જ્યારે તેમના પતિ કાંતિલાલ પ્રજાપતિ 16 વર્ષથી પરિવારથી અલગ રહેતા હતા.
આજે સવારે 10 વાગ્યાની આસપાસ મધુબેન પોતાના ફ્લેટ નીચે આવેલી દુકાને દહી લેવા ગયા હતા. આ સમયે અલગ રહેતા પતિ કાંતિલાલ હાથમાં ધોકો લઈને આવ્યા હતા અને પત્ની પાસે પૈસાની માંગણી કરી હતી. જો કે પત્નીએ પૈસા આપવાનો ઈનકાર કરતાં ઉશ્કેરાયેલા કાંતિલાલે મધુબેનને લાકડાનો ધોકો માર્યો હતો. આ સમયે આસપાસના લોકો એકઠા થઈ જતા કાંતિલાલ સ્થળ પરથી જતા રહ્યા હતા.
જે બાદ મધુબેને ઘરે જઈને પોતાના પુત્ર કલ્પેશને ફોન કરીને પૈસા બાબતે પતિએ ઝઘડો કર્યો હોવાની ફરિયાદ કરી હતી. જેથી પુત્ર કલ્પેશ પિતાને સમજાવવા માટે તેમની દુકાને પહોંચ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા પુત્રએ આવેશમાં આવીને નજીકમાં પડેલ લાકડાનો ધોકો લઈને પિતા પર તૂટી પડ્યો હતો.
મેં પિતાને ધોકાથી મારી નાંખ્યાઃ પુત્રની માતા સમક્ષ કેફિયત
પુત્રએ આડેધડ લાકડાના ધોકાના ફટકા મારતા પિતા કાંતિલાલ સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જે બાદ કલ્પેશે ઘરે પહોંચી માતાને કહ્યું કે, પિતા સમજતા નહતા. આથી મેં ધોકાથી તેમને મારી નાંખ્યા.
બીજી તરફ ગંભીર ઘાયલ કાંતિલાલને સ્થાનિકોએ 108ની મદદથી સારવાર અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવારના અંતે તેમનું મોત નીપજ્યું હતુ. આ મામલે મધુબેન પ્રજાપતિની ફરિયાદના આધારે કલોલ પોલીસે ગુનો નોંધીને પુત્રની ધરપકડ કરી છે.
