વડોદરા રેલવે સ્ટેશન પરથી 5 વર્ષના બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો, પોલીસની સતર્કતાથી બાળક સુરક્ષિત મળ્યું

પોલીસ તપાસ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 ના CCTV ફૂટેજમાં એક અજાણ્યો વ્યક્તિ બાળકને લઈ જતો દેખાયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Jan 2026 01:28 PM (IST)Updated: Fri, 30 Jan 2026 03:08 PM (IST)
5-year-old-child-kidnapped-from-vadodara-railway-station-unidentified-person-in-cctv-footage
HIGHLIGHTS
  • વડોદરા રેલવે સ્ટેશન પરથી થયું બાળકનું અપહરણ 
  • બાળકના પિતાએ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • પોલીસની ઝડપી કાર્યવાહીથી આરોપી ઝડપાઈ ગયો

Vadodara Child Kidnapping: વડોદરા શહેરમાંથી માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી હતી. રેલવે સ્ટેશન પરથી પાંચ વર્ષના નિર્દોષ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે રેલવે પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બાળકને સલામત રીતે માતા-પિતાને સોંપવામાં આવ્યું છે.

રેલવે સ્ટેશન પરથી થયું બાળકનું અપહરણ

પ્રાપ્ત માહિતી મુજબ, 27 જાન્યુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન પર ભારે અવરજવર વચ્ચે અજાણ્યા વ્યક્તિએ તકનો લાભ લઈ બાળકને પોતાની સાથે લઈ જતા અપહરણ કર્યું હતું. બાળક અચાનક ગાયબ થતા પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો. માતા-પિતાએ તાત્કાલિક રેલવે પોલીસનો સંપર્ક કરતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

CCTV ફૂટેજમાં દેખાયો અજાણ્યો શખ્સ

ઘટનાની ગંભીરતા સમજી રેલવે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. તેમજ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પ્લેટફોર્મ નંબર 1 ના CCTV ફૂટેજમાં એક અજાણ્યો વ્યક્તિ બાળકને લઈ જતો દેખાયો હતો.

પોલીસની ઝડપી કાર્યવાહીથી આરોપી ઝડપાયો

પોલીસે CCTV ફૂટેજના આધારે આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની હલચલ નજરે ચડતા પોલીસે તેના પર નજર રાખી, અને અંતે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બાળકનું અપહરણ કરનાર આરોપી તરીકે અનિલ બારીયા નામના વ્યક્તિની ઓળખ થઈ હતી.

બાળકને માતા-પિતાને સોંપવામાં આવ્યું

પોલીસે આરોપીની ધરપકડ કરીને બાળકને તેના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. અપહરણ પાછળના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બાળક સલામત મળી આવતા પરિવારજનોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. પોતાના લાડકવાયા સંતાનને ફરીથી જોઈ માતા-પિતાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. પરિવારજનોએ પોલીસની ઝડપી કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો.

પતિ-પત્ની વચ્ચે ચાલતો હતો વિખવાદ

આ અંગે મળતી વિગત અનુસાર, વડોદરાના ખોડિયારનગર રહેતા અનિલભાઈએ વર્ષ 2005માં ભાવનગરમાં રહેતા પૂનમ સાથે લગ્ન કર્યા હતા. બંનેને 5 વર્ષનો પુત્ર છે. જોકે, પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે વિખવાદ હતો. ગત 20 જાન્યુઆરીના રોજ પત્નીએ કોઈ અજાણ્યા સાથે વાત કરી હોવાના મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

રાતે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઈ

6 દિવસ બાદ ઘરે જમવાનું ન બનાવતાં ઝઘડો થતાં પત્ની રાતે સાડા નવ વાગે ઘરેથી નીકળી ગઈ હતી. બે દિવસ બાદ પણ પત્ની પરત ન આવતાં પતિએ તેને ફોન કર્યો હતો. આ દરમિયાન અજાણ્યા નંબર પરથી પત્નીએ ફોન કરીને દીકરાને આપી જવા જણાવ્યું હતું. જોકે, પતિએ ના પાડતા પત્નીએ ફોન મુકી દીધો હતો.

રેલવે સ્ટેશન પર થયો દિકરો ગાયબ

બાદમાં ફરી પત્નીનો સંપર્ક થતા તે વડોદરા રેલવે સ્ટેશન પર હોવાનું જણાવ્યું હતું. આથી દીકરાને લઈને પતિ પત્નીને શોધવા રેલ્વે સ્ટેશન ગયો હતો. જોકે, પત્ની ન મળતા પતિ પ્લેટફોર્મ નંબર 1 પર સુઈ ગયો હતો. જ્યારે પતિ જાગ્યો ત્યારે 5 વર્ષનો દિકરો ગાયબ હતો.

રેલવે પોલીસમાં નોંધાઈ ફરિયાદ

આથી તેણે પત્નીનો સંપર્ક કરી દીકરા અંગે પૂછ્યું હતું. જોકે, પત્નીએ પણ તેની પાસે દીકરો ન હોવાનું જણાવતા આખરે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાની ફરિયાદના આધારે રેલવે પોલીસે બાળકના અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.