Vadodara: પતિની મારઝૂડથી કંટાળી મહિલાએ માંગ્યા છૂટાછેડા, અભયમ ટીમે સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો

5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલું દંપતી નોકરીની શોધમાં વડોદરા આવ્યું હતું. પરિણીતા નર્સ તરીકે નોકરી કરે છે, અને પતિ ખાનગી કંપનીની નોકરીમાં છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Jan 2026 12:54 PM (IST)Updated: Fri, 30 Jan 2026 12:54 PM (IST)
vadodara-abhayam-team-reconciled-husband-who-was-beating-his-wife-by-convincing-him
HIGHLIGHTS
  • દંપતીનો વિખવાદ પૂર્ણ કરી અભયમ ટીમે સમાધાન કરાવ્યું
  • પતિના હતા લગ્નેતર સંબંધ, પત્નીને મારતો હાવાનો આરોપ
  • પાંચ વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન, દોઢ વર્ષનો દિકરો હતો

Vadodara husband-wife dispute: વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે ચાલતા વિખવાદનો એક નોંધનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિખવાદના કારણે પિયરમાં રહેતી મહિલા જ્યારે ઘરે ગઈ, ત્યારે પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી. જોકે, આ મુદ્દે મહિલાએ અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. બાદમાં અભયમ ટીમે દંપતિ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. 

પ્રેમલગ્ન કરેલા દંપતીનો અજીબ કિસ્સો 

આ બનાવની મળતી વિગત અનુસાર, ગોધરાની મહિલાએ 5 વર્ષ પહેલા એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ દંપતી નોકરીની શોધમાં વડોદરા આવ્યું હતું. બે વર્ષથી વડોદરામાં રહેતા પતિ-પત્નીમાં હાલ પરિણીતા નર્સ તરીકે નોકરી કરે છે, અને તેનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

દંપતી વચ્ચે થયો ઝઘડો, પત્ની પિયર જતી રહી  

6 મહિના પહેલાં પતિના લગ્નેતર સંબંધના કારણે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ સમજાવવા છતાં પતિ માન્યો નહીં, છેવટે તે મહિલા પિયર જતી રહી હતી. જોકે સમાજે મધ્યસ્થી કરતાં તેઓ ફરી સાથે રહેવા લાગ્યાં હતાં. તે બાદ પણ પતિએ પત્ની સાથે મારઝૂડ કરતાં તે ફરી એકવાર પોતાના પિયર જતી રહી હતી.

ઘરે પરત ગયેલી પરિણીતા સાથે કરી મારઝૂડ

પિયરમાં રહીને પરિણીતા પોલીસ ભરતી પરીક્ષાની તૈયારી કરતી હતી. દોડની પરીક્ષા નજીક આવતા મહિલાને પોતાના દસ્તાવેજોની જરૂર પડી હતી, જે વડોદરાના ઘરે પડ્યા હતા. મહિલા દસ્તાવેજ લેવા ઘરે પહોંચી, જોકે પતિએ દસ્તાવેજો આપવાનો ઇનકાર કરી મારઝૂડ કરીને તેને કાઢી મૂકી હતી.

મહિલાએ કહ્યું, પતિના લગ્નેતર સંબંધ છે

અંતે મહિલા આ મામલે અભયમ ટીમની મદદ લીધી, અને માતા-પિતાને બોલાવીને છૂટાછેડા લેવાની વાત કરી હતી. પરિણીતાએ જણાવ્યું કે, મારા પતિના લગ્નેતર સંબંધ છે, જેને કારણે તે મારી સાથે શારીરિક સંબંધ રાખતા નથી. ઉપરાંત મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપે છે. મારા દોઢ વર્ષનો દીકરો પર મારા પતિ ધ્યાન આપતા નથી.

અભયમ ટીમે કરાવ્યું સમાધાન

બીજી તરફ અભયમની ટીમે પતિને સમજાવ્યા કે, પત્ની પર હાથ ન ઉપાડવો જોઈએ, દસ્તાવેજો આપવા જોઈએ. તેને પરેશાન કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે. જ્યારે પત્નીને સમજાવ્યું હતું કે, આવેશમાં છૂટાછેડાનો નિર્ણય ન લેવો જોઈએ. બાળકનું વિચારવું જોઈએ. અંતે પતિએ અભયમની ટીમને પત્નીને પરેશાન ન કરવા અંગે બાંહેધરી આપી હતી. આમ અભયમ ટીમે દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું.