Vadodara Accident: કરજણ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, લક્ઝરી બસ ઉભેલા ટ્રક પાછળ ઘૂસી જતા 2 ના મોત 10થી વધુ ઇજાગ્રસ્ત

આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોનો સામાન અને લોહીના ડાઘા હાઈવે પર વેરાયેલા જોઈને પસાર થતા વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 30 Jan 2026 11:00 AM (IST)Updated: Fri, 30 Jan 2026 11:00 AM (IST)
vadodara-accident-bus-collides-with-truck-2-dead-10-injured-on-nh-48-near-karjan

Vadodara Accident: વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી 'જય ખોડિયાર ટ્રાવેલ્સ'ની બસ કરજણ ધાવટ ચોકડી પાસે બ્રિજ પર ઉભેલા એક ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ પ્રચંડ અથડામણમાં બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.

દોઢ કલાક સુધી ચાલ્યું દિલધડક રેસ્ક્યૂ

અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર ૨૫થી વધુ મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ કરજણ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ બસના પતરાં કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે દોઢ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા.

બે લોકોના મોત અને અનેક ઇજાગ્રસ્ત

પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 2 મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 10 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરના જવાનોએ સ્ટ્રેચરની મદદથી મૃતદેહોને બસની બહાર કાઢ્યા હતા.

હાઈવે પર ઉભેલા વાહનો બન્યા જીવલેણ

પ્રાથમિક તપાસ મુજબ, હાઈવે પરના બ્રિજ પર સાઈડમાં એક ટ્રક ઉભો હતો, જેની પાછળ પૂરઝડપે આવતી બસ અથડાઈ હતી. વહેલી સવારના સમયે ડ્રાઈવરને ઉંઘનું જોકું આવી ગયું હોય અથવા દૃશ્યતા ઓછી હોય તેવી શક્યતા સેવાઈ રહી છે. કરજણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની કરુણતા

આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોનો સામાન અને લોહીના ડાઘા હાઈવે પર વેરાયેલા જોઈને પસાર થતા વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. હાલમાં પોલીસે મૃતકોની ઓળખ વિધિની પ્રક્રિયા શરૂ કરી છે.