Vadodara News: વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા બેફામ વાહનચાલકોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, અને ખાસ કરીને વાઘોડિયા રોડ પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા દિવસો પૂર્વે આ જ માર્ગ પર પૂરપાટ ઝડપે દોડતી ત્રણ સવારી બાઇકે રસ્તો ઓળંગી રહેલા રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા શ્યામગીરી નામના રાહદારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારી
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા રોડ પરથી એક મોટરસાઈકલ પર ત્રણ યુવકો બેફામ અને પૂરપાટ ગતિએ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડ પર ચાલી રહેલા રાહદારીઓને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં બે રાહદારીઓ ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા, જેમાં શ્યામગીરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ગંભીર ઈજાથી રાહદારીનું મોત થયું
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા શ્યામગીરીને ત્વરિત ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેમને બ્રેઈન હેમરેજ થઈ ગયું હોવાનું નિદાન થયું હતું. હોસ્પિટલમાં લાંબી સારવાર છતાં તેમને બચાવી શકા્યા ન હતા અને અંતે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી
આ ગંભીર અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ફરાર થઈ ગયેલા ત્રિપલ સાઈટ બાઇક ચાલકની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને ગુનો નોંધીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
