વડોદરા: માણેજા ક્રોસિંગ પાસે ગમખ્વાર અકસ્માત, ST બસની અડફેટે ચડતા યુવક હાર્દિક ઠાકોરનું મોત

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 06 Sep 2026 01:49 PM (IST)Updated: Sun, 06 Sep 2026 01:49 PM (IST)
vadodara-maneja-crossing-accident-hardik-thakor-dies-after-hit-by-st-bus
Vadodara ST Bus Accident

Vadodara ST Bus Accident: વડોદરાના માણેજા ક્રોસિંગ વિસ્તારમાં સુરત તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી GSRTC એસ.ટી. બસે રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે હાર્દિક ઠાકોર નામનો યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે જ સમયે સુરત તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એસ.ટી. બસના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, અને રોડ ક્રોસ કરી રહેલા હાર્દિક ઠાકોરને જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કર એટલી ભીષણ હતી કે હાર્દિક રોડ પર એસ.ટી. બસના ટાયર નીચે આવી ગયો અને બસની નીચે ઘૂસી જવાથી તેને શરીરે ગંભીર અને જીવલેણ ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં હાર્દિકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમે યુવકને બચાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા, પરંતુ ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ હાર્દિક ઠાકોરનું મોત નીપજ્યું હતું. યુવાન દિકરાના અચાનક અવસાનના સમાચાર મળતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાઈ ગયો હતો.

આ ગમખ્વાર અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને એસ.ટી. બસના ચાલકની અટકાયત કરવાની અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક અને સલામતી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.