Surat Crime News: સુરતમાં વર્ષ 1994માં કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન ડીંકી ભુજવાલા હત્યાકાંડમાં આજીવન કેદની સજા પામેલા અને પેરોલ જમ્પ કરેલા કેદીને ઓડિશાથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. આ કેદી છેલ્લા 30 વર્ષથી ફરાર હતો. આરોપી તેની પત્નીની સારવારના બહાને વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, વર્ષ 1994 ના કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન ડીંકીભુજવાલા હત્યાકાંડમાં આજીવન કેદની સજા પામેલો પ્રમોદ ખદાલ સ્વાઈ વર્ષ 1997માં વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. તેને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેદી ઓડિશામાં છુપાઈને રહેતો હોવાની માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.
આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ ઓડિશા પહોંચી હતી અને સતત બે દિવસ સુધી વોચમાં રહીને વેશ પલટો કરીને ઓડિશાના રાઉરકૈલામાંથી ગુનેગાર પ્રમોદ ખદાલસ્વાઈને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, 14 જૂન 1994 ની સવારે સુરતના નાણાવટ વિઠલવાડી મુખ્ય રોડ તરફથી કરાટે બ્લેક બેલ્ટ ચેમ્પિયન ડીંકી ઉર્ફે હોસેદાર રોહીગટન ભુજવાલા પોતાના મિત્ર રાકેશ ઉર્ફે રોકી ચંપકલાલ રાણા સાથે હતા. તે દરમિયાન કરાટે વ્યવસાયની સ્પર્ધા અને મિત્રનીબહેનની છેડતી અંગેની જૂની અદાવતને કારણે કવાસ જહાંગીર ખરાસ અને મહેશ દીક્ષિતે ગુપ્તી, ચપ્પુ અને લાકડી વડે હુમલો કરી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
આ બનાવમાં મૃતક સાથે રહેલા રાકેશ ઉર્ફે રોકી ચંપકલાલ રાણાએ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી કવાસ જહાંગીર ખરાસ, મહેશ શ્યામ બિહારીલાલ દીક્ષિત, શૈલેષ ચંદ્રવદન બોડીવાલા, દિલીપ ઉર્ફે છગન ઉર્ફે લાલો પ્રવીણભાઈ વાંકાવાલા અને પ્રમોદ ખદાલસ્વાઈની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં સુરત સેશન્સ કોર્ટે 21 મે, 1995 ના રોજ પાંચેય આરોપીને આજીવન કેદની સજા ફરમાવી અને વડોદરા સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પાકા કામના કેદી પ્રમોદ ખદાલસ્વાઈએ પોતાની પત્નીની સારવાર માટે ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના 15 દિવસના જામીન મેળવ્યા હતા.
કેદી પ્રમોદ ખદાલ સ્વાઈને 4 જૂન, 1997 ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. જે બાબતે સુરતના ચોકબજાર પોલીસ મથકમાં પ્રિઝન એક્ટ હેઠળ વર્ષ 2003માં અલગથી ગુનો દાખલ થયો હતો. વધુમાં, કેદી શરુઆતમાં અલગ અલગ જગ્યાએ છુપાઈને રહેતો હતો અને બાદમાં ઓડિશાના રાઉરકૈલા ખાતે છુપાઈને રહીને ભંગારનો વેપાર કરતો હતો.
