Ahmedabad: ઓઢવના યુવકની આત્મહત્યા મામલે નવો વળાંક, ફોનમાંથી મળ્યા ધમકીભર્યા મેસેજ; ગર્લફ્રેન્ડના પિતા સામે નોંધાઈ ફરિયાદ

ઓઢવના યુવકે પાંચ મહિના પહેલા નભોઈ નજીક નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 07 May 2026 09:15 AM (IST)Updated: Thu, 07 May 2026 09:15 AM (IST)
ahmedabad-odhav-ashish-shah-suicide-video-police-complaint-against-girlfriends-father
HIGHLIGHTS
  • ઓઢવના યુવકે આત્મહત્યા કરી હતી
  • વીડિયો કોલ ચાલુ રાખી કેનાલમાં કૂદ્યો

Odhav youth suicide case: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા આશિષ શાહ નામના યુવકે 5 મહિના પહેલા 15 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાનો એક રૂંવાડા ઊભા કરી દે તેવો વીડિયો હાલ સામે આવ્યો છે, જેમાં યુવક વીડિયો કોલ પર વાત કરતા કરતા જ કેનાલમાં કૂદી પડતો જોવા મળે છે.

ચાલુ વીડિયો કોલમાં કર્યા આપઘાત

આપઘાતના દિવસે આશિષ તેના એક મિત્ર સાથે ગાંધીનગરના નભોઈ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પર ગયો હતો. ત્યાં કેનાલ પર ઊભા રહીને આશિષ તેની ગર્લફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની સંબંધી યુવતી સાથે મોબાઈલમાં વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. વાતચીત ચાલુ હતી તે દરમિયાન જ આશિષે અચાનક દોડીને કેનાલના ઊંડા પાણીમાં ધુબાકો મારી દીધો હતો, જેનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.

ગર્લફ્રેન્ડના પિતા આપતા હતા ધમકીઓ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આશિષને શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આશિષના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવતા તેમાંથી તેની ગર્લફ્રેન્ડના પિતાએ આપેલી ધમકીઓના કોલ રેકોર્ડિંગ અને મેસેજ મળી આવ્યા છે. યુવતીના પિતા આશિષને અવારનવાર ફોન પર ધમકીઓ આપતા હતા.

ગર્લફ્રેન્ડના પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

યુવતીના પિતા દ્વારા સતત આપવામાં આવતી આ ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને જ આશિષે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના 5 મહિના બાદ, યુવકને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ આશિષના પિતા દ્વારા ગર્લફ્રેન્ડના પિતા સામે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે.