Poshan Pakhwadiyu 2026: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'રાષ્ટ્રીય પોષણ અભિયાન'ને જનઆંદોલન બનાવી કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મક્કમ ડગલા માંડ્યા છે. તાજેતરમાં 9 થી 23 એપ્રિલ દરમિયાન ઉજવાયેલા 8મા ‘પોષણ પખવાડિયા’માં ગુજરાત રાજ્યએ દેશભરમાં ચોથો ક્રમ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
દેશભરમાં ગુજરાતનું 10.77 ટકા યોગદાન
આ પખવાડિયા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષા વકીલના નેતૃત્વમાં રાજ્યભરમાં કુલ 73.14 લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ભારત સરકારના ડેટા મુજબ, રાષ્ટ્રીય સ્તરે થયેલ કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતનું યોગદાન 10.77 ટકા રહ્યું છે. આ અભિયાનમાં વિશેષરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગે સિંહફાળો આપતા 46.36 ટકા એટલે કે સૌથી વધુ 33.91 લાખ પ્રવૃત્તિઓ કરી છે. જ્યારે આરોગ્ય, શિક્ષણ અને પંચાયત જેવા 18થી વધુ વિભાગોએ પણ સક્રિય સહભાગીદારી નોંધાવી છે.
"જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો"
વર્ષ 2026 ના પોષણ પખવાડિયાની મુખ્ય થીમ "જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો" રાખવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે બાળકના મગજનો 85 ટકા વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં જ થઈ જાય છે. આ બાબતને ધ્યાને રાખીને આ વર્ષે ‘સ્વાસ્થ્ય માટે પોષણ’થી એક ડગલું આગળ વધીને ‘મગજના શ્રેષ્ઠ વિકાસ’ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અભિયાનના પાંચ મુખ્ય સ્તંભો અને કામગીરી
આ અભિયાનને સફળ બનાવવા માટે પાંચ મુખ્ય સ્તંભ નક્કી કરવામાં આવ્યા હતા:
- સગર્ભા માતાનો આહાર, સ્તનપાન અને યોગ્ય પૂરક આહાર પર ભાર મૂકવો.
- સંવાદ, રમત અને સ્નેહ દ્વારા બાળકના મગજમાં મજબૂત જોડાણ બનાવવા પ્રોત્સાહન આપવું.
- આંગણવાડીઓમાં બાળકોને રમત ગમત દ્વારા પ્રાથમિક શિક્ષણ આપી શાળાકીય પૂર્વ તૈયારી માટે તૈયાર કરવા.
- બાળકોમાં વધતા ‘સ્ક્રીન ટાઈમ’ને ઘટાડી સક્રિય દિનચર્યા માટે વાલીઓમાં જાગૃતિ લાવવી.
- લોકભાગીદારી અને CSR ના માધ્યમથી આંગણવાડીઓને આધુનિક અને સુવિધાજનક બનાવવી.
આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં પોષણ પંચાયતો, ક્વિઝ, પોસ્ટર સ્પર્ધા અને સામૂહિક જાગૃતિ કાર્યક્રમો દ્વારા પોષણનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યો છે. પોષણ પખવાડિયાની આ સફળતા ગુજરાતની કુપોષણ મુક્ત બનવાની પ્રતિબદ્ધતા અને બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેનું મક્કમ પગલું દર્શાવે છે.
