Vadodara News: વડોદરાના ગોરવા વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના ગોરવા વિસ્તારમાં ચા ની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મોહનસિંગ નામના યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને ગોરવા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને યુવકની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોરવા પંચવટી વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પાસે ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. સ્થાનિક વિસ્તારમાં ચા ની લારી ચલાવતા મોહન સિંગ નામના યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. રાત્રિના સમયે અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા અને તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક ગોરવા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફાયર બ્રિગેડના જવાનો રેસ્ક્યૂ સામગ્રી અને બોટ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગઈકાલ રાતથી જ કેનાલના પાણીમાં યુવકની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, ભારે જહેમત અને લાંબી શોધખોળ બાદ પણ યુવકનોક્યાંય પત્તો મળ્યો નથી કે તેનો મૃતદેહ હાથ લાગ્યો નથી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળની કામગીરીમાં મુશ્કેલી નડી રહી છે.
બીજી તરફ, ગોરવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. કેનાલમાં ઝંપલાવનાર યુવક મોહન સિંગનો વિધર્મી મિત્ર હાલ શંકાના દાયરામાં આવ્યો છે. આપઘાત પાછળ આ વિધર્મી મિત્રની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
પોલીસે પરીસ્થિતિની ગંભીરતા સમજીને વિધર્મી યુવકની તાત્કાલિક અટકાયત કરી છે અને તેની કડકાઈથી પૂછપરછ શરૂ કરી દીધી છે. યુવકે કયા કારણોસર આટલું આકરું પગલું ભર્યું અને બનાવ બનતા પહેલા બંને વચ્ચે શું બન્યું હતું તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારજનોમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.
