Ahmedabad News: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા 3 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ આરોપીઓ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર જૈવિક હુમલો (બાયો-ટેરરિઝમ) કરી સામૂહિક ઝેર ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીન અને તેના સહ-આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ (બંને ઉત્તર પ્રદેશના રહેવાસી) વિરુદ્ધ અમદાવાદની NIA સ્પેશિયલ કોર્ટમાં યુએ (પી) એક્ટ, BNS અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ આરોપનામું રજૂ કરવામાં આવ્યું છે.
રાઇઝીન ઝેરથી આતંક ફેલાવવાનું હતું કાવતરું
NIAની તપાસ મુજબ, આરોપીઓ વિદેશી હેન્ડલરોના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા હતા. તેઓએ એરંડાના બીજમાંથી 'રાઇઝીન' (Ricin) નામનું અત્યંત શક્તિશાળી જૈવિક ઝેર તૈયાર કરવાની યોજના બનાવી હતી. રાઇઝીન એ કેમિકલ વેપન્સ કન્વેન્શનના શેડ્યૂલ 1માં સૂચિબદ્ધ એક ખતરનાક ઝેરી તત્વ છે. આરોપીઓનો ઉદ્દેશ્ય નબળા યુવાનોને કટ્ટરપંથી બનાવી, શસ્ત્રો અને બાયોટેરરિઝમ દ્વારા આતંક ફેલાવી ISIS ના એજન્ડાને અમલમાં મૂકવાનો હતો.
3 accused have been charged in Ahmedabad in ISIS-linked Jihadi bioterrorism conspiracy to carry out mass poisoning in public spaces. Hyderabad-based doctor Syed Ahmed Mohiuddin, and co-accused Azad & Suhel from U.P, have been charged under UA (P) Act, BNS and Arms Act. pic.twitter.com/yjII5fw9jU
— NIA India (@NIA_India) May 5, 2026
નવેમ્બર 2025માં ગુજરાત ATSએ કરી હતી ધરપકડ
કાવતરાનો પર્દાફાશ નવેમ્બર 2025 માં થયો હતો, જ્યારે ચીનથી MBBS થયેલા ડૉ. મોહિઉદ્દીનની એક ટોલ પ્લાઝા પરથી ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ગેરકાયદે હથિયારો અને 4 લિટર એરંડાનું તેલ મળી આવ્યું હતું. ATS દ્વારા તે જ દિવસે અન્ય બે આરોપીઓ, આઝાદ અને સુહેલની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ રાજસ્થાનના હનુમાનગઢમાં એક 'ડેડ-ડ્રોપ' સાઇટ પરથી રોકડ અને હથિયારો ઉપાડી ગુજરાતના છત્રાલ ખાતે મોહિઉદ્દીન માટે મૂકી ગયા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ઘરને બનાવી હતી ગુપ્ત લેબોરેટરી
જાન્યુઆરી 2026 માં તપાસ સંભાળ્યા બાદ NIA ને જાણવા મળ્યું કે મોહિઉદ્દીનને તેના હેન્ડલર દ્વારા દક્ષિણ એશિયાનો ISIS 'અમીર' બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું. આ વચનના બદલામાં તેણે હૈદરાબાદ સ્થિત પોતાના નિવાસસ્થાનને રાઇઝીન તૈયાર કરવા માટેની ગુપ્ત પ્રયોગશાળામાં ફેરવી દીધું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે મોહમ્મદ સુહેલ આ કાવતરામાં હેન્ડલર અને અન્ય આરોપીઓ વચ્ચેની મહત્વની કડી હતો. તેણે આતંકવાદી ભંડોળ મેળવવું અને વહેંચવું, જાસૂસી કરવી, ગેરકાયદે શસ્ત્રોનું પરિવહન, ISIS ના ધ્વજ તૈયાર કરવા અને વફાદારીના શપથ (બય'આહ) રેકોર્ડ કરવા જેવી પ્રવૃત્તિઓ કરી હતી. NIA હાલ આ કાવતરામાં સામેલ અન્ય વિદેશી હેન્ડલરો અને સાથીદારોની શોધખોળ કરી રહી છે.
