Ahmedabad: ગત બુધવારે મોડી રાતથી ગુજરાતમાં મેઘાવી માહોલ જામતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયો છલકાઈ ગયા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ પણ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદી તોફાની બની છે.
ધરોઈ ડેમ તેમજ સંત સરોવરમાથી સાબરમતી નદીમાં છોડાઈ રહેલા પાણીના કારણે અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલીને 31410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની સતત આવક થતાં સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે સાબરમતી નદીનો વૉકવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો તકેદારીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી નદીનું લેવલ સુરક્ષિત સ્તર સુધી ના આવે, ત્યાં સુધી વૉક વે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાણી છોડવામાં આવતું હોવાના કારણે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નદી કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
પાણી વધતા લોકોનું સ્થળાંતર શરૂ કરાયું
સાબરમતી નદીમાં અચાનક પાણી વધતા લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સૂચનાથી જૂના કોબા વિસ્તારમાંથી 69 લોકોનું સ્થળાંતર કરીને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓના આરોગ્ય, ભોજન સહિત તમામ સુવિધાની સગવડ કરવામાં આવી છે.
સંત સરોવરના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા
હાલ સંત સરોવરમાં ઉપરવાસમાંથી 1,21,660 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સાથે જ સંત સરોવરની જળ સપાટી 53 મીટરે પહોંચી છે. જેના પગલે સંત સરોવરના તમામ દરવાજા ખોલીને 92,700 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.