Ahmedabad Rain News: અમદાવાદમાં ગત 6 સપ્ટેમ્બરની સાંજથી જ વરસાદી માહોલ જામ્યો છે અને મોડી રાતથી તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વાસણા બેરેજમાંથી પણ પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. વાસણા બેરેજના કુલ 27 ગેટ ખોલીને સાબરમતી નદીમાં 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સાબરમતી નદી કિનારે ન જવા અપીલ
અમદાવાદના ભાજપના એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અમિત શાહે લોકોને સાબરમતી નદી કિનારે અથવા તો રિવરફ્રન્ટના વોકવે પર ન જવા અપીલ કરી છે. ધરોઈ ડેમમાંથી આશરે 95,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સંત સરોવરમાંથી 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેમાંનું 90,000થી વધુ ક્યુસેક પાણી અમદાવાદમાં આજે બપોર સુધીમાં આવશે. સાથે વાસણા બેરેજ (ડેમ)ના 30માંથી 28 દરવાજા અત્યારથી જ ખોલી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ
અમદાવાદમાં મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના સરખેજ, એસજી હાઇવે, ચાંદખેડા, નરોડા, કોતરપુર, સરદારનગર, મણીનગર અને કાંકરિયા વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જોધપુર, બોપલ, સેટેલાઈટ, પ્રહલાદનગર, આનંદનગર, વસ્ત્રાપુર, મેમનગર, સાયન્સ સીટી, ઘાટલોડીયા, નારણપુરા, વાસણા પાલડી, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, એસજી હાઇવે, એસપી રીંગ રોડ, બાકરોલ, વિસલપુર, કાસિન્દ્રા, ભાત, નવાપુરા, સનાથલ, શાંતિપુરા, જમાલપુર, દૂધેશ્વર કાલુપુર અસારવા શાહપુર દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
વહેલી સવારે પણ વરસાદ ચાલુ
વહેલી સવારે છ વાગ્યાથી પણ ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં પડી રહ્યો છે. એક કલાકમાં થલતેજમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, સાયન્સ સીટી, ગોતા, ઓગણજ, એસપી રીંગ રોડ દેવા વિસ્તારોમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પર ભરાઈ ગયા છે. કોતરપુર, સરદારનગર, મેમનગર, એસજી હાઇવે જોધપુર, સરખેજ, વિસલપુર, કાસિન્દ્રા, ભાત, નવાપુરા, સનાથલ, શાંતિપુરા, હેલ્મેટ સર્કલ, કાલુપુર, જમાલપુર શાહપુર, દુધેશ્વર અને અસારવામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે આજે, 7 સપ્ટેમ્બરના રોજ, ગુજરાતના અનેક જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અને અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં એક સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી.
GPSCની પરીક્ષામાં સાવચેતી
ભારે વરસાદની આગાહીને કારણે, આજે યોજાનારી GPSCની પરીક્ષાના કેન્દ્રો પર પણ ખાસ તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે, જેથી પરીક્ષા આપનારાઓને કોઈ અગવડ ન પડે.