Ahmedabad: હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના પગલે છેલ્લા ત્રણેક દિવસથી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાતના સમયે મેઘ કૃપા વરસી રહી છે. આજે પણ બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અમદાવાદ જિલ્લા અને શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
આજે સવારથી અમદાવાદનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતુ અને 1 વાગ્યા પછી ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયા બાદ 2 વાગ્યે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આજે બપોરે 2 થી 8 વાગ્યા સુધીના 6 કલાક દરમિયાન અમદાવાદ જિલ્લાના બાકરોલમાં સૌથી વધુ 36.50 મિ.મી (1.44 ઈંચ) વરસાદ ખાબક્યો છે.
જ્યારે અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, ઉસ્માનપુરામાં 27 મિ.મી, જોધપુરમાં 26.50 મિ.મી,. બોપલમાં 26 મિ.મી, બોડકદેવમાં 25.50 મિ.મી, ઓઢવ અને મણિનગરમાં 23.50 મિ.મી. થલતેજમાં 23 મિ.મી., વટવામાં 22.50 મિ.મી., સરખેજમાં 21.50 મિ.મી, રામોલમાં 20 મિ.મી., વસ્ત્રાલમાં 18 મિ.મી., રાણીપમાં 18 મિ.મી. ચાંદલોડીયામાં 17.50 મિ.મી. અને ગોતામાં 11 મિ.મી વરસાદ નોંધાયો છે.
આજે બપોર પછી અમદાવાદ શહેરમાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે નીચાણવાળા અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.
આ સાથે જ અમદાવાદમાં સિઝનનો સરેરાશ 928.98 મિ.મી (36.56 ઈંચ) વરસાદ નોધાયો છે. આજે બપોરે વાસણા બેરેજનું લેવલ 127 ફૂટ નોંધાયું છે. સંત સરોવરમાંથી 23724 ક્યુસેક પાણીની આવક નોંધાયેલ છે. ધરોઈ ડેમમાંથી 79540 ક્યુસેક પાણીની આવક નોંધાયેલ છે.
આમ નદીમાં કુલ 1,11,422 કયુસેક પાણીની આવક નોંધાયેલ છે તેમજ સાબરમતી નદી સ્થિત વાસણા બેરેજમાંથી 18141 ક્યુસેક પાણીની જાવક નોંધાયેલ છે. વાસણા બેરેજના કુલ 24 ગેટ ખુલ્લા કરવામાં આવ્યા છે.