Ahmedabad: શહેરના સોલા વિસ્તારમાં મેડિકલનો અભ્યાસ કરતી પરિણીત યુવતી સાથે તેના પતિના મિત્રએ શારીરિક અડપલા (Medical Student Molestation) કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બિભત્સ ફોટા અપલોડ કર્યાં બાદ પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવીને કપડા ફાડીને અડપલા કર્યા હતા.
પતિ સાથે ઘરે આવેલા તેના મિત્રએ પત્નીને બીભત્સ ફોટા મોકલ્યા
આ મામલે પીડિત પરિણીતાએ સોલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તે સોલામાં પોતાની સાસરીમાં રહીને મેડિકલનો અભ્યાસ કરે છે. તેના પતિ સાથે ઘરે આવેલા મિત્રએ બાથરુમમાં જઈને પોતાના બીભત્સ ફોટા અને વીડિયો બનાવીને ફરિયાદીને મોકલ્યા હતા.
પર્સ લેવાના બહાને ઘરમાં ઘુસી પરિણીતાને બાથમાં લઈ લીધી
જે બાદ આરોપીએ પોતાનું પર્સ ભૂલી ગયો હોવાનું જણાવીને પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં પરિણીતાએ દરવાજો ખોલતા જ આરોપીએ તેને પોતાની બાથમાં ભીડીને તેની ટી-શર્ટ ફાડીને બળજબરી કરી હતી. જો કે પરિણીતાએ બૂમબૂમ કરી મૂકતા આરોપી પકડાઈ જવાની બીકે ભાગી ગયો હતો.
આરોપી દ્વારા અવારનવાર અશ્લિલ મેસેજ મોકલીને પરિણીતાને પરેશાન કરવામાં આવતી હતી. આખરે કંટાળીને તેણીએ સોલા પોલીસ મથકમાં પોતાના પતિના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી અને આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
