Ahmedabad Doctor Molestation: શહેરના મેમનગર સ્થિત હોસ્પિટલના તબીબ દ્વારા તપાસના બહાને MBA વિદ્યાર્થિનીના અડપલા કરવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને ડોક્ટરની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ હૈદરાબાદની 25 વર્ષીય યુવતી શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ જાણતી ઈન્સ્ટીટ્યૂટમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત 23 સપ્ટેમ્બરે વિદ્યાર્થિનીને પેટમાં દુખાવો ઉપડવા સાથે તાવ આવતો હોવાથી તે મેમનગર વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી.
આ પણ વાંચો
જ્યાં મુખ્ય તબીબ ડૉ. હાર્દિક પરીખે દવા આપી હતી. જેના બીજા દિવસે વિદ્યાર્થિનીએ બ્લડ રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવી હતી. જે રિપોર્ટ જોઈને અન્ય એક ડૉ. વ્રજ પટેલે દવાઓ લખી આપી હતી.
દવાનો કોર્સ પુરો કરવા છતાં યુવતીને આરામ ના થતા, આખરે તે પોતાના પિતા સાથે હોસ્પિટલ આવી હતી. આ દરમિયાન ડો. વ્રજ પટેલે મુખ્ય તબીબ સાથે વાત કરીને વિદ્યાર્થિનીને વધુ સારવાર માટે એડમિટ કરી દીધી હતી.
ભોગ બનનાર વિદ્યાર્થિનીનો આરોપ છે કે, હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન ડૉ. વ્રજ પટેલ મહિલા તબીબ કે નર્સને સાથે રાખ્યા વિના તેને રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે પોતાના હાથના ગ્લોવ્ઝ કાઢીને વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા હતા.
આટલું જ નહીં, બીજા દિવસે પણ તપાસના બહાને ડો. વ્રજ પટેલે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને વિદ્યાર્થિનીના આંતરવસ્ત્રો કાઢીને અડપલા કર્યા હતા. જેથી યુવતીએ આ બાબતે પોતાના પરિવારજનોને જાણ કરી હતી. આખરે સમગ્ર મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે ડૉ. વ્રજ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.
