DGVCL Mega Drive Surat: સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં વીજ ચોરી ડામવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન 82 સ્થળોએથી વીજચોરી ઝડપાતાં વિભાગે રૂપિયા 1 કરોડથી વધુનો આકરો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વીજ ચોરી ડામવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા આજે સવારથી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત માંગરોળ તાલુકાના હથોડા, સિયાલજ, મોટી નરોલી, મોટા બોરસરા, ભટકોલ તેમજ કોઠવા સહિતના સાતથી વધુ ગામોમાં વીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી.
કુલ 784 જેટલા રહેણાંક અને અન્ય વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી અને તપાસ દરમ્યાન 82 જેટલા ઘરોમાં ગેરરીતિ તેમજ સીધી વીજચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વીજ તંત્ર દ્વારા રૂ. 1 કરોડ ઉપરાંતના દંડકીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા છે.
વીજ કંપનીના આ મેગા ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં વીજ વિભાગની 45 જેટલી તપાસ ટીમો જોડાઈ હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે માંગરોળ ડિવિઝનના DySP બી. કે. વનારના માર્ગદર્શન હેઠળ 2 પી.આઈ., 4 પી.એસ.આઈ. અને 60 જેટલા પોલીસ જવાનોનો કાફલો ખડેપગે રહ્યો હતો.
