Rajkot: સોલાર બિઝનેસના નામે સગા ભાણેજે મામા સાથે રૂ. 18.62 લાખની ઠગાઈ આચરી, રોકાણના નામે લીધેલા પૈસા શેરબજારમાં ડૂબાડ્યા

રાજકોટમાં સોલાર બિઝનેસમાં ઊંચા વળતરની લાલચ આપી ભાણેજે પોતાના મામા સાથે ₹18.62 લાખની છેતરપિંડી કરી. મામા સાગરભાઈ રાદડિયાએ ભાણેજ વશરામ પાધરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પૈસા શેરબજારમાં રોક્યા હોવાનું સામે આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Oct 2026 08:49 PM (IST)Updated: Tue, 06 Oct 2026 08:49 PM (IST)
rajkot-news-nephew-cheats-uncle-of-rs-1862-lakh-on-pretext-of-solar-panel-business

Rajkot: રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં સોલાર પેનલના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને પોતાના જ સગા મામા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મવડી વિસ્તારમાં રહેતા અને ગાડી રિપેરિંગનો વ્યવસાય કરતા સાગરભાઈ જેન્તીભાઈ રાદડિયાએ તેમના ભાણેજ વશરામભાઈ શૈલેષભાઈ પાધરા (રહે. સરધાર) સામે 18.62 લાખ રૂૂપિયા ઓળવી જવા અંગે અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે આજીડેમ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આરોપી વશરામભાઈ પાધરા અગાઉ સાગરભાઈના ગેરેજ પર કામ શીખવા આવતો હતો, ત્યારબાદ તેણે સોલાર પેનલનો વ્યવસાય શરૂ કર્યો હોવાનું જણાવી ધંધામાં નાણાંની જરૂરિયાત હોવાથી રોકાણ કરવા સાગરભાઈને લાલચ આપી હતી.

મામા સાગરભાઈએ ભાણેજ પર વિશ્વાસ મૂકીને એપ્રિલ 2023થી ઓગસ્ટ 2025 દરમિયાન બેંક ટ્રાન્સફર તેમજ રોકડ સ્વરૂપે ટુકડે-ટુકડે કુલ 26,09,990 રૂપિયા આપ્યા હતા. શરૂઆતમાં નફાના બહાને આરોપીએ સાગરભાઈને 7,47,690 રૂપિયા પરત કર્યા હતા, પરંતુ બાકી નીકળતા 18,62,300 રૂપિયા ચૂકવવામાં આનાકાની કરવા લાગ્યો હતો.

તપાસ દરમિયાન સાગરભાઈને જાણવા મળ્યું હતું કે, આરોપી વશરામભાઈએ સોલારના ધંધાના નામે મેળવેલા નાણાં સોલાર વ્યવસાયમાં રોકવાને બદલે બારોબાર શેરબજારમાં વાપરી નાખ્યા હતા. જ્યારે સાગરભાઈએ પોતાના બાકી નીકળતા 18,62,300 રૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપીએ મકાનની લોન ભરપાઈ કરી મકાન વેચી પૈસા આપી દેવાની બાંહેધરી આપી હતી.

જો કે લાંબો સમય વીતવા છતાં નાણાં પરત ન આપીને ગેરેજે આવી 'હવે રૂપિયા ભૂલી જજે, નહીંતર જીવતો નહીં રહેવા દઉં' તેવી ધમકી આપતાં સાગરભાઈએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.