Navratri 2026: PoP અને 4 ફૂટથી ઊંચી દુર્ગા મૂર્તિઓ પર પ્રતિબંધ, SMC દ્વારા વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા

સુરતમાં નવરાત્રી 2026 દરમિયાન 4 ફૂટથી ઊંચી અને પી.ઓ.પી.ની દુર્ગા મૂર્તિઓ બનાવવા, વેચવા કે સ્થાપના કરવા પર પ્રતિબંધ મુકાયો છે. મૂર્તિઓનું વિસર્જન ફક્ત SMC દ્વારા નિયત કરાયેલ સ્વીકાર કેન્દ્રો ખાતે જ કરવાનું રહેશે, જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 06 Oct 2026 08:41 PM (IST)Updated: Tue, 06 Oct 2026 08:41 PM (IST)
navratri-2026-ban-on-pop-and-durga-idols-above-4-feet-check-smc-immersion-rules

Navratri 2026: નવરાત્રી પર્વ અંતર્ગત માં દુર્ગા માતાજીની ૦૪ ફૂટથી વધુ ઊંચાઈની તથા પી.ઓ.પી.ની મૂર્તિઓ બનાવવા, વેચવા કે સ્થાપના કરવા પર પ્રતિબંધ : મૂર્તિ વિસર્જન SMC દ્વારા નિયત કરાયેલ સ્વીકાર કેન્દ્રો ખાતે જ કરવાનું રહેશે

સુરત શહેરમાં આ વર્ષે નવરાત્રી નિમિત્તે તા.11/10/2026 ના રોજ શ્રી દુર્ગા માતાજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે અને તા.20/10/2026ના રોજ મૂર્તિઓનું વિસર્જન થનાર છે. આ ઉત્સવ દરમિયાન પર્યાવરણની જાળવણી થાય, જળ સ્ત્રોતોમાં પ્રદૂષણ અટકે, જળ સૃષ્ટિ પર વિપરીત અસર ન થાય અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેરના I/C પોલીસ કમિશ્નર વાબાંગ જમીર દ્વારા સુરત કમિશનરેટ વિસ્તારમાં જરૂરી નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.


જાહેરનામા અનુસાર તા.11/10/2026 થી તા.20/10/2026 સુધી આ મુજબના પ્રતિબંધો અમલી બનશે, જેમાં શ્રી દુર્ગા માતાજીની માટીની મૂર્તિઓ બેઠક સહિતની ૦૪ (ચાર) ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગો ઉપર પરીવહન કરવા ઉપર, માતાજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ બનાવવા, વેંચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગો ઉપર પરીવહન કરવા ઉપર પ્રતિબધ રહેશે.

સુરત કોર્પોરેશન (SMC) દ્વારા શ્રી દુર્ગા માતાજીની મૂર્તિઓના વિસર્જન માટે નિયત કરવામાં આવનાર સ્વીકાર કેન્દ્રો પર જ મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યાની આજુબાજુ કોઈ પ્રકારની ગંદકી કરવી કે કોઈ પણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવી કે માટીની મૂર્તિઓ ના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવી નહી.

કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા તથા વેચવા ઉપર, મૂર્તિઓના વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર, પરમિટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા જવા ઉપર, મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબધ છે.

કોઈ પણ આયોજક/વ્યક્તિ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા કુદરતી જળ સ્ત્રોત જેવા કે, તળાવ, કૂવા, નદી, નહેર વગેરે જેવી જગ્યાએ માં દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરી શકશે નહીં. મૂર્તિ વિસર્જન માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઠરાવેલ પદ્ધતિ સિવાયની કોઈ પણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.