Rajkot Food Safety Raid: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, ગંદકી અને અખાદ્ય ખાદ્યપદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરની કુલ 93 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ સ્થળોએથી મળી આવેલા કુલ 115 કિલો અખાદ્ય, વાસી અને એક્સપાયર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ચેકિંગ દરમિયાન કુલ 22 પેઢીઓને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે વિવિધ પેઢીઓ પાસેથી કુલ રૂ.27,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 7 ખાદ્ય નમૂના લેવામાં આવ્યા હતા, જેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન ગ્રીન પાલક પંજાબી એન્ડ ચાઈનીઝ, બેડીપરા ખાતે તપાસ કરતાં વાસી, પડતર, કાપેલા અને બાફેલા શાકભાજી, વાસી મન્ચુરીયન, પડતર સોસ, ચટણી, ગ્રેવી, દાઝેલું તેલ તથા પડતર લોટ સહિત કુલ 52 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ.3 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
તેવી જ રીતે વિશ્વા ફૂડ્સ માંથી વાસી કાપેલા શાકભાજી, પડતર લોટ અને લેબલ વગરના પેકેટ સહિત 23 કિલો જથ્થાનો નાશ કરી રૂ.10 હજારનો ચાર્જ વસૂલાયો હતો. SLURITમાંથી એક્સપાયર બ્રેડ, કાપેલા શાકભાજી, વાસી રાઈસ અને નુડલ્સ સહિત 10 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે રવિકાંત વિંદ પાણીપુરી વાલા પાસેથી સડેલા બાફેલા બટેટા અને જીવાતવાળા લોટ સહિત 20 કિલો જથ્થાનો નાશ કરાયો હતો.
