Kamrej Hit And Run: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના બની છે. જેમાં JCB ચાલકની બેદરકારીના કારણે બાઇક સવાર એક યુવકે જીવ ગુમાવ્યો છે, જ્યારે પાછળ બેઠેલા બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 અચાનક એક JCB ચાલકે JCBને ત્રીજી લાઇનમાંથી પ્રથમ લાઇનમાં લાવી દીધું હતું. આ દરમ્યાન પાછળથી આવી રહેલી બાઇક ધડાકાભેર JCB સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇક પર સવાર 3 લોકો રસ્તા પર પટકાયા હતા અને JCBનું બકેટ વાગવાના કારણે તથા માથા અને છાતીના ભાગે ઇજા થવાથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર પાછળ બેસેલા મહિલા અને અન્ય એક યુવકને ઇજા થઈ હતી
મૃતક બાઇક ચાલક યુવકની ઓળખ રોહિત નરેશભાઈ મકવાણા (ઉ.20) તરીકે થઈ છે. જ્યારે બાઇક પર પાછળ બેસેલા સુજલ સુરેશભાઈ નાયકા (ઉ.25) અને રૂપાબેન અશોકભાઈ શિંદેને ઇજા પહોંચી હોવાથી ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતને પગલે અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે ત્યાં પહોંચ્યા હતા, બીજી તરફ ઘટનાની જાણ થતા જિલ્લા ટ્રાફિક પોલીસ અને 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ JCB ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે કામરેજ પોલીસ દ્વારા ગુનો નોંધી ફરાર થઈ ગયેલા જેસીબી ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
