Armed Forces Flag Day: 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' નિમિત્તે ભંડોળ એકત્ર કરવાની કામગીરીમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. ગત વર્ષે ₹25 લાખના નિર્ધારિત લક્ષ્યાંક સામે રાજકોટ જિલ્લામાંથી ₹90 લાખ જેટલું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આમ, લક્ષ્યાંક કરતા 3 ગણો વધુ ફાળો એકત્ર થયો હતો. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તંત્ર અને સમાજના સહિયારા પ્રયાસોથી આ સફળતા મળી છે.
₹25 લાખના લક્ષ્યાંક સામે ₹90 લાખનું દાન એકત્ર
'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' નિમિત્તે ભંડોળ એકત્રીકરણની કામગીરીમાં રાજકોટ જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે ભંડોળ એકત્ર કરવા માટે ₹25 લાખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ રાજકોટ જિલ્લામાંથી ₹90 લાખ જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી.
આમ, નિર્ધારિત લક્ષ્યાંક કરતા ત્રણ ગણાથી પણ વધુ ફાળો એકત્ર કરીને રાજકોટ જિલ્લાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આ સફળતામાં સરકારી તંત્ર, ખાનગી સંસ્થાઓ, દાતાઓ અને સમાજના વિવિધ વર્ગોના સહયોગનો ફાળો રહ્યો હતો.

₹50 હજારથી વધુ દાન આપનાર દાતાઓનું સન્માન
આ ભંડોળ એકત્રીકરણમાં ₹50 હજારથી વધુની રકમનું યોગદાન આપનાર કુલ 29 સંસ્થાઓ અને દાતાઓને શિલ્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ યાદીમાં સરકારી કચેરીઓની સાથે ખાનગી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભંડોળ એકત્રીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દાતાઓનું બહુમાન
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા ફરીયાદ સહ સંકલન સમિતિની બેઠક દરમિયાન દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવોના હસ્તે દાતાઓને શિલ્ડ અર્પણ કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કમાન્ડર પવન કુમારે દેશના જવાનો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી આ કામગીરીમાં યોગદાન આપનાર તમામ દાતાઓની સરાહના કરી હતી. સાથે જ તેમણે જિલ્લા કલેક્ટરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ડો. સુભાષ એકેડમીનું સૌથી વધુ ₹41 લાખનું દાન
ભંડોળ એકત્રીકરણમાં જૂનાગઢની ડો. સુભાષ એકેડમીએ સૌથી વધુ ₹41 લાખનું દાન આપ્યું હતું. જ્યારે સરકારી કચેરીઓમાં પોલીસ કમિશનર કચેરીએ સૌથી વધુ ₹3 લાખનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓનું પણ યોગદાન બદલ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં PGVCL શહેરી અને PGVCL ગ્રામ્ય, વેસ્ટર્ન રેલવે, SRP ગ્રુપ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, GSRTC પ્રાદેશિક કચેરી, કાર્યપાલક ઈજનેરની કચેરી તથા પોલીસ અધિક્ષકની કચેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓએ પણ ભંડોળ એકત્રીકરણમાં સહયોગ આપ્યો હતો.
7 ડિસેમ્બરે ઉજવાય છે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 7 ડિસેમ્બરે 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનો, પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારોના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરીને તેમને સહાયરૂપ થવાનો છે.
આ પ્રસંગે વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, દાતાઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાએ સમાજના સહિયારા પ્રયાસોથી ભંડોળ એકત્રીકરણમાં મેળવેલી આ સિદ્ધિથી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપંખ ઉમેરાયું છે.
