Rajkot News: રાજકોટમાં આપઘાતની 2 અલગ-અલગ ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડની આરાધના સોસાયટીમાં રહેતા 42 વર્ષીય સોની વેપારીએ ઝેરી દવા ગળીલેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. તેમના બીજા લગ્નને હજુ 3 મહિના જ થયા હતા. બીજી તરફ, રાજકોટના પુનિતનગર વિસ્તારમાં રહેતા આદિપુરના 19 વર્ષીય યુવકના આપઘાતના કેસમાં સ્યુસાRડ નોટના આધારે પ્રેમિકા અને તેના પરિવારના 3 સભ્યો સામે આપઘાતની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
પ્રથમ બનાવ: આરાધના સોસાયટીમાં સોની વેપારીએ કર્યો આપઘાત
આ પણ વાંચો
રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં પેઢી ધરાવતા 42 વર્ષીય સુનિલભાઈ જગદીશચંદ્ર પારેખે (સોની) આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા ગળી આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએતેમને મૃત જાહેર કર્યા હતા.
માત્ર 3 મહિના પહેલાં જ થયા હતા લગ્ન
મૃતક સુનિલભાઈ સોની બજારમાં 'ગુણવંતરાય જગદીશચંદ્ર બ્રધર્સ' નામની પેઢી ચલાવતા હતા અને વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પારિવારિક વિગતો મુજબ, અગાઉ તેમના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થયા હતા. પ્રથમ લગ્નથી તેમને એક દીકરો અને એક દીકરી છે. ત્યારબાદ હજુ 3 મહિના પહેલાં જ તેમણે બીજા લગ્ન કર્યા હતા.
પોલીસે નિવેદનનોંધીને તપાસ શરૂ કરી
સુખી દેખાતા પરિવારમાં બનેલી આ ઘટનાથી પરિવારજનો અને પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે. સુનિલભાઈએ આર્થિક ભીંસના કારણે આપઘાત કર્યો છે કે પછી કોઈ ઘરેલુ અથવા અંગત કારણો જવાબદાર છે, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે પરિવારજનોના નિવેદનોનોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
બીજો બનાવ: પ્રેમિકાના ત્રાસથી કંટાળી 19 વર્ષીય યુવકે આપઘાત કર્યો
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પુનિતનગર વિસ્તારમાં રહેતા આદિપુરના 19 વર્ષીય યુવક નયનના આપઘાતના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, નયને પ્રેમિકા અને તેના પરિવારજનોના માનસિક તેમજ શારીરિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
અભ્યાસ દરમિયાન યુવતી સાથે સંપર્ક થયો
યુવકના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો 19 વર્ષીય પુત્ર નયન વર્ષ 2024માં ગાંધીધામ ખાતે ITI માં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન તેનો શ્રદ્ધા વાસુદેવ રામાનુજ નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. આશરે 14 મહિના પહેલાં નયન પરિવારને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો.
જે બાદ યુવક રાજકોટના પુનિતનગર વિસ્તારમાં આવેલા ભારતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નં. 120 માં ભાડે રૂમ રાખીને શ્રદ્ધા સાથે રહેવા લાગ્યો હતો. મૃતક નયને પરિવારજનોને શ્રદ્ધા સાથે લગ્ન કરવાની વાત કરી હતી. આથી પરિવારે અગાઉ અન્ય યુવતી સાથે થયેલી તેની સગાઈ પણ તોડી નાખી હતી.
4 નવેમ્બરના રોજ યુવકે કર્યો હતો આપઘાત
ગત 4 નવેમ્બરના રોજ સવારે તેમના નયને પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા નયનના રૂમમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં નયને પોતાની સાથે થયેલા કથિત ત્રાસ અને પૈસાની લેતીદેતી અંગે વિગતો લખી હોવાનું સામે આવ્યું છે.
પૈસા પરત ન આપી શકતા માનસિક ટોર્ચર
સ્યુસાઈડ નોટમાં નયને લખ્યું હોવાનું જણાવાયું છે કે, તેણે શ્રદ્ધાની માતા દેવકીબેન પાસેથી પૈસા લીધા હતા. રકમ પરત ન આપી શકતાં દેવકીબેન વાસુદેવ સાધુ, પ્રેમિકા શ્રદ્ધા વાસુદેવ રામાનુજ, તેનો ભાઈ આયુષ ઉર્ફે લાલો અને અવદીપભાઈ બસીયા દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
ચિઠ્ઠીમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આપઘાતના આગલા દિવસે રાત્રે નયનની તબિયત સારી ન હોવા છતાં આયુષ અને અવદીપભાઈએ તેને માર માર્યો હતો. સ્યુસાઈડ નોટમાં કથિત ત્રાસનો ઉલ્લેખ કરતા નયને આ લોકોને પોતાનો મૃતદેહ ન સોંપવાની વિનંતી પણ કરી હોવાનું જણાવ્યું હતું.
પિતાની ફરિયાદના આધારે ચાર સામે FIR
પુત્રની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પિતા રાજેશભાઈએ 20 નવેમ્બરના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે પ્રેમિકા શ્રદ્ધા, તેની માતા દેવકીબેન, ભાઈ આયુષ ઉર્ફે લાલો અને અવદીપભાઈ બસીયા સામે આપઘાતની દુષ્પ્રેરણા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
