Rajkot Crime News: રાજકોટ શહેરમાં માત્ર એક કલાકના ટૂંકાગાળામાં હત્યાની બે ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રથમ ઘટના મોરબી રોડ પર આવેલી બેડી ચોકડી નજીક બની, જેમાં પતિએ ઘરકંકાસમાં પત્નીની હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જ્યારે બીજી ઘટનામાં શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસ.કે. ચોકમાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
પ્રથમ બનાવ: બેડી ચોકડી પાસે પતિએ પત્નીની હત્યા કરી
પ્રથમ બનાવની વિગતો અનુસાર રાજકોટના મોરબી રોડ પર બેડી ચોકડી નજીક આવેલા સાગર પાર્કમાં રહેતા પ્રવીણભાઈ પરસોડાએ ઘરકંકાસના કારણે પોતાની પત્ની શારદાબેન પરસોડા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. શરીરના ભાગે ગંભીર ઘા ઝીંકવામાં આવતા શારદાબેનનું મોત થયું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પત્નીની હત્યા કર્યા બાદ પતિ પ્રવીણભાઈએ દવા પી લીધી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યા પાછળનું પ્રાથમિક કારણ ઘરકંકાસ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને આરોપીની સ્થિતિ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ગાંધીગ્રામના એસ.કે. ચોકમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
બીજી તરફ, રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા એસ.કે. ચોકમાં પણ હત્યાની બીજી ઘટના સામે આવી હતી. સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં મનીષ પરમાર નામના યુવક પર ગની નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં મનીષ પરમારને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
એક જ સાંજે અલગ-અલગ વિસ્તારોમાં બનેલી હત્યાની આ બે ઘટનાઓને પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. બંને બનાવમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યા પાછળના કારણો, આરોપીઓની ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
