અમદાવાદમાં રાતે સુસવાટા મારતા તોફાની પવન સાથે ધોધમાર વરસાદ, અનેક ઠેકાણે પાણી ભરાતા લોકોને હાલાકી

દિવસભરના અસહ્ય બફારા બાદ મોડી રાતે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. રાણીપ, એસ.જી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 03 Sep 2025 10:22 PM (IST)Updated: Wed 03 Sep 2025 10:27 PM (IST)
ahmedabad-news-heavy-rain-across-the-city-with-hevy-wind-on-3rd-september-596890
HIGHLIGHTS
  • આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું
  • એસ.જી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

Ahmedabad Rain: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધી છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે આજે અમદાવાદમાં રાતના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

આજે અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે 33.5 ડિગ્રી નોંધાયું હતુ. જેના કારણે બપોરના સમયે શહેરીજનોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતો હતો. જ્યારે સાંજ પડતા જ અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. જો કે રાતે સાડા 9ની આસપાસ અચાનક તોફાની પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

જો અમદાવાદ શહેરમાં પવનની વાત કરીએ તો, હાલ 30 થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. આજે શહેરના એસ.જી. હાઈવે, સેટેલાઈટ, બોપલ, મણિનગર, વસ્ત્રાપુર, સેટેલાઈટ, સરખેજ, રાણીપ, ઘાટલોડીયા, શિવરંજની, ગુરુકુળ, બોડકદેવ, ઘાટલોડીયા, નારણપુરા, સાબરમતી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

અચાનક ભારે વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને શહેરના એસ.જી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.