Ahmedabad: શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં એક બોટ ઊંધી થઈ જતાં ત્રણ યુવકોનું ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા એક પછી એક એમ ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને સરખેજના શકરી તળાવમાં અંદર ઉતર્યા હતા. જ્યાં સહેજ આગળ જતાં એક યુવક બોટમાંથી બહાર આવી ગયો હતો, પરંતુ અન્ય ત્રણ યુવકો બોટ સાથે તળાવમાં અંદર ગયા હતા. જો કે આગળ જતાં અચાનક બોટ ઉંધી વળી જતાં તેમાં બેઠેલા ત્રણેય યુવકો તળાવમાં ખાબક્યા હતા.
અંધારામાં ફ્લડ લાઈટની મદદથી ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઑપરેશન
આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા અંધારૂં થઈ ગયું હોવા છતાં ફ્લડ લાઈટની મદદથી 2 કલાકની જહેમત બાદ એક પછી એક ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવકોની ઓળખ પપ્પુ ચાવડા, વિશાલ ચાવડા અને રાધે તરીકે થઈ છે. હાલ તો ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.