Ahmedabad Flower Show 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શૉને સફળ અને વધુ આકર્ષક બનાવવા માટે કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમવાર લાખો રૂપિયા ચૂકવીને કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે. જેના પરિણામે જાન્યુઆરીમાં યોજાનારો આ ફ્લાવર શૉ નિહાળવા માટે નાગરિકોને વધારે પૈસા ચૂકવવા પડશે.
હકીકતમાં AMC દ્વારા ચાલુ વર્ષે ફ્લાવર શૉની એન્ટ્રી ફી વધારીને બમળી કરી દેવામાં આવી છે. જેમાં સપ્તાહના સોમ થી શુક્રવાર સુધી ફ્લાવર શૉની એન્ટ્રી ફી 70 અને શનિ-રવિવાર માટે 100 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકોને ફ્લાવર શૉમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. આ સિવાય અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે.
જો ગત વર્ષે ફ્લાવર શૉમાં એન્ટ્રી ફીની વાત કરીએ તો, 2023માં સપ્તાહના સોમ થી શુક્રવાર સુધી એન્ટ્રી ફી 50 રૂપિયા હતી. જ્યારે શનિ-રવિવાર માટે 75 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી.
જણાવી દઈએ કે, ગત વર્ષે યોજાયેલા ફ્લાવર શૉ પાછળ કોર્પોરેશને 11.24 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જો કે આ વર્ષે ફ્લાવર શૉમાં ગાંધીજીના ત્રણ વાંદરા, એક પેડ માઁ કે નામ, એન્ટ્રસ એલિફન્ટ, હલ્ક, ડોરેમોન, કુંગફુ પાંન્ડા, ફાઈટિંગ બુલ્સ, ટાઈગર લાયન, મેરમેઈડ, ઓલિમ્પિક રિંગ, કેનિયન વૉલ, ફ્લાવર વૉલ, કીર્તિ સ્તંભ સહિત 26 જેટલા સ્કલ્પચર પાછળ 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો અંદાજ છે. ફ્લાવર શૉ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 2 દિવસ બાદ એટલે કે 15 ડિસેમ્બરથી ફ્લાવર પાર્ક જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.