Ahmedabad news: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના સવારના રાઉન્ડ દરમિયાન શાહીબાગ વિસ્તારમાં સફાઈને લગતી એક ગંભીર ગેરરીતિ સામે આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નમસ્કાર સર્કલ પાસે ઝડપાઈ ગેરરીતિ
આ પણ વાંચો
શાહીબાગ વોર્ડ વિસ્તારમાં આવેલા નમસ્કાર સર્કલ પાસે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને સફાઈ વ્યવસ્થાનું સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ તપાસ દરમિયાન અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટેની કેચપીટની અંદર ફૂડ વેસ્ટ અને અન્ય કચરો નાંખવામાં આવ્યો છે. વધુ તપાસ કરતા સ્પષ્ટ થયું હતું કે નજીકની જ એક દુકાન દ્વારા કેચપીટમાં આ ફૂડ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો.
દુકાન સીલ કરવાની કડક કાર્યવાહી
કેચપીટમાં કચરો નાખવાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થવાની શક્યતા રહેલી છે, જેનાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં આ પ્રકારની બેદરકારી અને ગેરરીતિને ગંભીરતાથી લેવામાં આવી હતી. પરિણામે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સંબંધિત દુકાન સામે તાત્કાલિક પગલાં ભરીને મનપા તંત્ર દ્વારા દુકાનને સીલ કરી દેવામાં આવી છે.
અમદાવાદ મનપા દ્વારા કડક ચેતવણી
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આ ઘટનાને પગલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુચારુ રહે અને પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે પ્રિ-મોન્સુન કામગીરી દરમિયાન નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ જો કોઈ પણ કેચપીટ, ડ્રેનેજ લાઇન અથવા જાહેર સ્થળોએ કચરો નાંખનાર પકડાશે તો તેમની સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
