ઈન્દિરા બ્રિજ પર પડી તિરાડ! વહીવટી તંત્રએ કરી સ્પષ્ટતા...

અમદાવાદના ઇન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા પડ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ બ્રિજ સાબરમતી નદી પરનો બનેલો મુખ્ય બ્રિજ છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 04 Jan 2026 12:14 PM (IST)Updated: Sun 04 Jan 2026 12:52 PM (IST)
ahmedabad-indira-bridge-cracks-and-potholes-built-over-sabarmati-river-667835
HIGHLIGHTS
  • અમદાવાદના ઇન્દિરા બ્રિજ અંગે મોટા સમાચાર
  • ઈન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા પડ્યા દેખાયા
  • અમદાવાદ અને ગાંધીનગરના માર્ગને જોડતો બ્રિજ

Ahmedabad Indira Bridge Crack : અમદાવાદ અને ગાંધીનગરની મુખ્ય કડી કહી શકાય તેવા ઈન્દિરા બ્રિજને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સાબરમતી નદી પરના આ બ્રિજ પર તિરાડો અને ખાડા પડ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. નોંધનીય છે કે, આ બ્રિજ પર સતત વાહનોની અવરજવર રહે છે. જોકે, આ અંગે વહીવટી તંત્રના અધિકારીએ સ્પષ્ટતા કરી છે.

ઈન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા પડ્યા

તાજેતરમાં એકાદ મહિના પહેલા આરટીઓ સર્કલ પાસેનો સુભાષ બ્રિજનો સ્પાન બેસી જતા તેને બંધ કરવો પડ્યો હતો. હવે સુભાષ બ્રિજના રિનોવેશન માટેનો નિર્ણય કરવામાં આવતા લાંબા સમય સુધી આ બ્રિજ બંધ રાખવાનો છે. આ વચ્ચે વધુ એક બ્રિજના ચોંકાવનારા ફોટા સામે આવ્યા છે. ઇન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા પડ્યા હોવાના વીડિયો અને ફોટો ફરતા થયા છે. આ સાથે જ અહીંથી પસાર થતા વાહનચાલકોમાં ભય ફેલાયો છે.

ગાંધીનગર વહીવટી તંત્રએ કરી સ્પષ્ટતા

ઇન્દિરા બ્રિજ પર તિરાડો પડી હોવા અંગેના અહેવાલ અંગે સ્પષ્ટતા કરતા ગાંધીનગર વહીવટી તંત્રએ જણાવ્યું કે, તાજેતરમાં વિવિધ માધ્યમોમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે બાબતે પાટનગર યોજના વિભાગ 3 ના કાર્યપાલક ઇજનેર તથા પેટા વિભાગ 18 ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સંયુક્ત રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી.

શું સાચે તિરાડ પડી છે?

આ ચકાસણી દરમિયાન માલુમ પડ્યું છે કે ન્યૂઝમાં દર્શાવેલ વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે. વાસ્તવમાં જેને તિરાડ ગણાવવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી, પરંતુ બ્રિજના બે સ્પાન વચ્ચે રાખવામાં આવેલ 'એક્સપાન્શન જોઇન્ટ' છે, જે ઋતુ મુજબ તાપમાનમાં થતા ફેરફારને કારણે મટીરીયલમાં થતી વધઘટને નિવારવા માટે સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ મૂકવામાં આવે છે.

આ બ્રિજની વિભાગ દ્વારા સમયાંતરે તાંત્રિક તપાસ કરવામાં આવે છે અને તાજેતરમાં જ 'ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ' દ્વારા કરાયેલ સંપૂર્ણ તાંત્રિક ચકાસણી (Technical Audit) માં પણ બ્રિજની મુખ્ય સંરચનામાં કોઈ ક્ષતિ માલુમ પડેલ નથી, જેથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. જાહેર જનતાએ કોઈપણ પ્રકારના ભય વગર તેનો ઉપયોગ કરવો તેમજ આવી પાયાવિહોણી અફવાઓથી દૂર રહેવું.

અમદાવાદ-ગાંધીગનર માર્ગ પરનો મુખ્ય બ્રિજ

નોંધનીય છે કે, ઇન્દિરા બ્રિજ એ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ પરનો મુખ્ય બ્રિજ છે. આ બ્રિજ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે. જેમાં બાઈક-કાર, એસટી બસ સાથે BRTS-AMTS બસો સહિત મોટા વાહનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીનગરથી અમદાવાદ આવતા-જતા નેતાઓ અને અધિકારીઓ પણ આ માર્ગનો ઉપયોગ કરતા બ્રિજ પરથી થઈને આવતા હોય છે.