"બ્રિજ બંધ, સમસ્યા યથાવત" અમદાવાદનો વધુ એક બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો

બુલેટટ્રેનની કામગીરી ચાલતી હોવાથી આગામી 12 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણો સમગ્ર વિગત...

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 31 Dec 2025 10:15 AM (IST)Updated: Wed 31 Dec 2025 10:15 AM (IST)
ahmedabad-shahibaug-underpass-bridge-closed-till-12-january-due-to-bullet-train-ongoing-work-665147
HIGHLIGHTS
  • અમદાવાદનો શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો
  • બુલેટ ટ્રેનની કામગીરી ચાલતી હોવાથી 12 જાન્યુઆરી સુધી રસ્તો બંધ રહેશે
  • વૈકલ્પિક માર્ગ તરીકે ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી જઈ શકાય

Ahmedabad News: અમદાવાદ શહેરમાં કેટલાક રોડ-રસ્તા અને બ્રિજના નિર્માણનું કામ કે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે શહેરીજનો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અમદાવાદના સુભાષ બ્રિજ, સારંગપુર બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પહેલાથી જ અવરજવર માટે બંધ છે. આ કડીમાં હવે શાહીબાગ અંડરપાસનું નામ જોડાયું છે. બુલેટ ટ્રેનની કામગીરી ચાલતી હોવાથી શાહીબાગ અંડરપાસ (Shahibaug Underpass) આગામી 12 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શાહીબાગ અંડરપાસ બંધ, શા માટે?

બુલેટ ટ્રેનની (Bullet Train) કામગીરી ચાલુ હોવાથી અમદાવાદનો શાહીબાગ અંડરપાસ આગામી 5 જાન્યુઆરીથી 12 સુધી વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ સાથે એરપોર્ટ અને ગાંધીનગરથી શાહીબાગ વચ્ચેના મુખ્ય ત્રણ બ્રિજ એક સાથે બંધ રહેશે. જોકે, વહીવટી તંત્ર દ્વારા એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ, દિલ્હી દરવાજા અને કાલુપુર જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફ ડાયવર્ઝન આપવામાં આવી શકે છે.

વૈકલ્પિક માર્ગ કયા?

શહેરના કેટલાક મુખ્ય માર્ગો અને બ્રિજ હાલ વાહનવ્યવહાર માટે બંધ હોવાથી મોટાભાગના વિસ્તારોમાં પીક અવર્સમાં ટ્રાફિક જામ (traffic jam) સર્જાતો હોય છે. સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તા પર પહેલેથી જ ટ્રાફિક જામ રહે છે, ત્યારે વધુ એક બ્રિજ બંધ થતા હવે વાહનો ડાયવર્ટ કરવા પડશે. જેના પગલે ભારે ટ્રાફિક જામ થાય તેવી શક્યતા છે. જોકે, રિવરફ્રન્ટ એક વૈકલ્પિક રસ્તો છે. પરંતુ આ રસ્તા પર રિક્ષા અને બસ જેવા વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે, જે માટે કોઈ વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો નથી.