Ahmedabad News: 31મીની રાત્રે આ રોડ પર નો-એન્ટ્રી: ઉજવણી માટે ટ્રાફિકમાં કરાયા મોટા ફેરફાર, જાણો કયા રસ્તા રહેશે બંધ

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કુલ 9040 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 09:29 AM (IST)Updated: Wed 31 Dec 2025 10:13 AM (IST)
ahmedabad-31st-celebration-cg-road-sindhu-bhavan-closed-9000-police-4000-cameras-deployed-665121

New Year 2026 Celebrations in Ahmedabad: અમદાવાદમાં નવા વર્ષના આગમનને વધાવવા માટે અમદાવાદના રસ્તાઓ પર ઉમટી પડતી જંગી ભીડને જોતા શહેર પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્તની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને યુવાધનના માનીતા એવા સી.જી. રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પ્રતિબંધિત

31મી ડિસેમ્બરની સાંજે 6 વાગ્યાથી શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે:

  • સી.જી. રોડ: આ માર્ગ સાંજે 6 વાગ્યાથી વાહનચાલકો માટે બંધ રહેશે.
  • સિંધુ ભવન રોડ: ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો માર્ગ પણ વાહનો માટે પ્રતિબંધિત રહેશે.
  • એસ.જી. હાઈવે અને રિવરફ્રન્ટ: એસ.જી. હાઈવે, સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થવાની શક્યતાને પગલે વિશેષ નજર રાખવામાં આવશે.

9000થી વધુ પોલીસ જવાનો તૈનાત

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કુલ 9040 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. ભીડને નિયંત્રણમાં લેવા અને સ્ટંટબાજો પર નજર રાખવા માટે શહેરના 4000 સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. ખાસ કરીને એલિસબ્રિજ, એસ.પી. રિંગ રોડ અને નવરંગપુરા વિસ્તાર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

નશાખોરો સામે લાલ આંખ

  • નવા વર્ષની ઉજવણીમાં દારૂ પીને છાકટા બનતા લોકો અને નશાની હાલતમાં વાહન ચલાવનારાઓને પકડવા માટે પોલીસ સજ્જ છે.
  • 443 બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસ જવાનો શહેરના તમામ નાના-મોટા રસ્તાઓ પર હાજર રહેશે.
  • ડ્રગ્સ કે દારૂની હેરાફેરી રોકવા માટે તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે.

ડાન્સ પાર્ટી માટેની મંજૂરી

શહેરમાં યોજાતી ડાન્સ પાર્ટીઓ માટે આ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં 11 આયોજકોએ અરજી કરી છે. ગત વર્ષે 14 આયોજકોને મંજૂરી મળી હતી. આ વર્ષે પણ જેમણે જરૂરી ધારા-ધોરણો પૂર્ણ કર્યા હશે, તે તમામને મંજૂરી આપવાની પ્રક્રિયા હાલમાં કાર્યરત છે. અમદાવાદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરે અને પોલીસને સહયોગ આપે.

પોલીસ સ્ટાફ / સાધનસંખ્યા
કુલ તહેનાત પોલીસ સ્ટાફ૯,૦૪૦
પોલીસ ઇન્સ્પેક્ટર / સબ-ઇન્સ્પેક્ટર૧૧૫ / ૨૨૫
હોમ ગાર્ડ્સ૩,૫૦૦
સીસીટીવી કેમેરા / બોડી વોર્ન કેમેરા૪,૦૦૦ થી વધુ / ૨,૫૬૦
બ્રેથ એનેલાઈઝર્સ૪૪૩
પીસીઆર / જનરક્ષક વાન૧૨૩
ચેકિંગ માટે નાકાબંધી પોઈન્ટ્સ૬૩