Laalo Krishna Sada Sahaayate:'લાલો કૃષ્ણ સદા સહાયતે(Laalo Krishna Sada Sahaayate)'ને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ભવ્ય સફળતા અને નવો ઈતિહાસ રચ્યાં બાદ હવે આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દી ભાષામાં દેશભરમાં રિલીઝ થશે. આ માટેની તારીખ જાહેર થઈ છે તથા હિન્દી ભાષામાં ટ્રેલર રિલીઝ થયું છે.
ગુજરાતી ભાષામાં આ ફિલ્મ ગુજરાતી ભાષામાં 10મી ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ હતી અને જોત જોતામાં બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરીને સૌને ચોંકાવી દીધા હતા.
આ નાના બજેટની આ ફિલ્મએ રાષ્ટ્રીય સ્તરે વિશાળ બજેટની અનેક ફિલ્મોને પણ પાછળ રાખી દીધી છે. આ ભવ્ય સફળતા બાદ હવે મેકર્સ લાલો કૃષ્ણ સદા સહાયતેને લઈ મોટી યોજના ધરાવે છે. આ ફિલ્મ નવા વર્ષમાં એટલે કે 9 જાન્યુઆરી 2026થી સમગ્ર દેશમાં હિન્દી ભાષામાં રીલિઝ થશે. આ ફિલ્મનું હિન્દી ટ્રેલર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
અંકિત સખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની કહાનીથી દર્શકો બોક્સ ઓફિસ પર આકર્ષાયા છે. આ ફિલ્મને ગુજરાતી ભાષામાં સફળતા મળ્યા બાદ તેની ચર્ચા સમગ્ર દેશમાં થવા લાગી હતી.
135 મિનિટની આ ફિલ્મ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે કે જેણે રૂપિયા 100 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ફિલ્મએ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર રૂપિયા 94.65 કરોડની કમાણી કરી છે. તો વર્લ્ડવાઈડ તેણે રૂપિયા 119.55 કરોડનો બિઝનેસ કર્યો છે.
લાલો ફિલ્મની વાર્તા લાલો એક સામાન્ય રિક્ષાચાલક છે, જે ગરીબી અને ભૂતકાળના દુઃખદ બોજથી પીડાતો જીવન જીવે છે. એક દિવસ અચાનક તે એક ખાલી અને અવાવરુ ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે. આ એકલતામાં તેના અંતરના રાક્ષસો – અપરાધભાવ, પસ્તાવો અને હતાશા – સામે આવે છે.
પરંતુ આ જ એકલતા તેને શ્રી કૃષ્ણના દિવ્ય દર્શન તરફ લઈ જાય છે. કૃષ્ણ તેને માર્ગદર્શન આપે છે, જીવનના સત્યો સમજાવે છે અને આત્મશાંતિ તરફની યાત્રા કરાવે છે. આ ફિલ્મ ભગવદ્ગીતાના સંદેશને આધુનિક જીવન સાથે જોડે છે – કર્મ, ભક્તિ અને સ્વ-શોધની વાત કરે છે. તે બતાવે છે કે જ્યારે દુનિયા સાથ છોડી દે, ત્યારે પ્રભુ ક્યારેય એકલા નથી છોડતા.
