નકલી કોર્ટરૂમ બનાવી અમદાવાદના નિવૃત્ત પ્રોફેસરને 22 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખ્યા, 7 કરોડ પડાવ્યા

સાઇબર સેલના એસીપી હાર્દિક માંકડિયાએ જણાવ્યું કે, આ એક આંતરરાષ્ટ્રીય રેકેટ છે જે સામાન્ય લોકોને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી પાયમાલ કરે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 04 Jan 2026 09:41 AM (IST)Updated: Sun 04 Jan 2026 09:41 AM (IST)
retired-ahmedabad-professor-kept-under-digital-arrest-for-22-days-by-creating-fake-courtroom-rs-7-crore-seized-667748

Ahmedabad News: ગુજરાતમાં સાઇબર ક્રાઇમની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ફિલ્મની પટકથાને પણ ટક્કર મારે તેવી રીતે ઠગબાજોએ આખેઆખો ‘નકલી કોર્ટરૂમ’ સેટઅપ કર્યો હતો. અમદાવાદની એક પ્રખ્યાત ઈન્સ્ટિટ્યૂટના 83 વર્ષના નિવૃત્ત પ્રોફેસરને નિશાન બનાવી, કમ્બોડિયાથી ચાલતી ચાઈનીઝ ગેંગના સાગરીતોએ 22 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી તેમની પાસેથી અંદાજે ₹7.12 કરોડ પડાવી લીધા છે.

કેવી રીતે રચાયું નાટક?

ઠગબાજોએ પ્રોફેસરને વિશ્વાસમાં લેવા માટે એક નકલી કોર્ટરૂમ તૈયાર કર્યો હતો, જેમાં જજ, બે વકીલ, ઇન્વેસ્ટિગેશન ઓફિસર (IO) અને કોર્ટ કઠેડામાં ઉભેલા આરોપીઓ પણ બતાવવામાં આવ્યા હતા.

  • ધમકી અને ડર: પ્રોફેસરને મની લોન્ડરિંગ અને પોર્ન વીડિયો કેસમાં ધરપકડ કરવાની ધમકી આપી વીડિયો કોલ દ્વારા આ નકલી કોર્ટમાં હાજર કરાયા હતા.
  • નકલી દસ્તાવેજો: આરોપીઓએ ટ્રાઈ (TRAI), સીબીઆઈ (CBI), સુપ્રીમ કોર્ટ અને ઇન્ટરપોલના લોગોવાળા નકલી લેટર્સ, આઈડી કાર્ડ અને એફિડેવિટ મોકલી પ્રોફેસરને સંપૂર્ણ ડરમાં રાખ્યા હતા.
  • નજરકેદ: વૃદ્ધ પ્રોફેસર એટલા ડરી ગયા હતા કે તેમને બર્થડે પાર્ટીમાં જવા માટે પણ આરોપીઓની મંજૂરી લેવી પડતી હતી.

7.12 કરોડની છેતરપિંડી

આરોપીઓએ પ્રોફેસરને જણાવ્યું કે તેમના ખાતામાંથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે. ‘વેરિફિકેશન’ના બહાને પ્રોફેસરના બેંક ખાતાની વિગતો મેળવીને તબક્કાવાર ₹7.12 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે પ્રોફેસરે નાણાં પરત માંગ્યા અને આરોપીઓએ ઇડી (ED) ના નામે નકલી લેટર મોકલ્યા, ત્યારે તેમને શંકા જતા સાઇબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી.

સુરત અને અમદાવાદના 12 સાગરીતો ઝડપાયા

અમદાવાદ સાઇબર સેલે ટેકનિકલ તપાસ કરીને કમ્બોડિયાની ગેંગ માટે કામ કરતા ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે.

  • આરોપીઓની પ્રોફાઇલ: ઝડપાયેલા 12 આરોપીઓમાંથી 9 સામાન્ય ભણેલા (ધોરણ 8 થી 12) છે, જ્યારે 2 ગ્રેજ્યુએટ છે. તેમાં રિક્ષા ડ્રાઇવરથી લઈને એમ.એસસી. (IT) ભણેલા યુવકોનો સમાવેશ થાય છે.
  • કમિશનનું નેટવર્ક: આરોપીઓ ફ્રોડના નાણાં મેળવી તેને યુએસડીટી (USDT - ક્રિપ્ટોકરન્સી) માં કન્વર્ટ કરી કમ્બોડિયા મોકલતા હતા અને તેના બદલામાં 10 ટકા કમિશન મેળવતા હતા.
  • દેશવ્યાપી નેટવર્ક: પકડાયેલા આરોપીઓ સામે દેશભરમાં સાઇબર ફ્રોડની કુલ 238 ફરિયાદો નોંધાયેલી છે.

કોણ કોણ ઝડપાયું?

ઝડપાયેલા આરોપીઓમાં દશરથ નાયક, બ્રિજેશ ઉર્ફે અક્ષય શાહ, વિજય કોરી, માસ્ટર પટેલ, જલદીપ ડાભરા, સુનિલ ધામેલિયા, રાહુલ મોરડીયા અને અનિકેત ડોલાણી સહિતના શખ્સોનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 16 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સાઇબર સેલના એસીપી હાર્દિક માંકડિયાએ જણાવ્યું કે, આ એક આંતરરાષ્ટ્રીય રેકેટ છે જે સામાન્ય લોકોને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી પાયમાલ કરે છે. નાગરિકોને અજાણ્યા વીડિયો કોલ કે સરકારી એજન્સીના નામે આવતી ધમકીઓથી સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.