Ahmedabad Accident: આજથી એક સપ્તાહ અગાઉ અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાતે પુરપાટ જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોને કચડી નાંખનારા નબીરો તથ્ય પટેલ હાલ સાબરમતી જેલમાં છે. આ કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ-તેમ તથ્ય પટેલના અનેક કારનામા સામે આવી રહ્યાં છે. એવામાં હવે RTO વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
હકીકતમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરી રહેલી પોલીસની અત્યાર સુધીની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં નબીરો તથ્ય પટેલ બેફામ ગતિએ કાર ચલાવવાનો શોખીન હોવાનું તેમજ ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માત સર્જી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં તથ્ય પટેલે ઈસ્કોન બ્રિજ ઉપરાંત સિંધુભવન રોડ અને સાંતેજ એમ ત્રણ જગ્યાએ પોતાના વાહનથી અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે તથ્ય પટેલે એક મહિનામાં 25 વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો પણ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
અત્યાર સુધીની પોલીસ તપાસ પરથી હવે અમદાવાદ RTO વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ માટે RTO દ્વારા ટ્રાફિક પોલીસ પાસે ઑન પેપર વિગતો પણ મંગાવવામાં આવી છે. જે બાદ હીયરિંગ કરીને તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
તથ્ય પટેલ વિરુદ્ધ ગાંધીનગરમાં વધુ એક ફરિયાદ નોંધાઈ
ગત 31 ડિસેમ્બરે રાતના સમયે તથ્ય પટેલે કલોલ તાલુકાના વાંસજડા ગામમાં બેફામ કાર હંકારીને બળિયાદેવના મંદિરના પિલરને ટક્કર મારી હતી. આ એકસ્માતમાં 20 હજાર રૂપિયાનું નુક્સાન થયું હતુ. આ મામલે પૂર્વ સરપંચ અને હાલ તલાટી વહીવટકર્તા તરીકે કાર્યરત મણાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે.