VICTOR 303: ગુજરાતી ફિલ્મ 'વિક્ટર 303'નું એક્શનથી ભરપુર ટ્રેલર રિલીઝ, એક અનાથની પોતાની સાચી ઓળખ સુધી પહોંચવાની કહાની

પ્રેમિકા તરફથી પ્રેમમાં દગો મળતાં ઘાયલ થયેલા પ્રેમીના સાહસની કહાની જોવા મળશે, ચેતન ધાનાણી, અંજલી બારોટ અને જગજીતસિંહ વાઢેરની મુખ્ય ભૂમિકા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Mon 16 Dec 2024 06:01 PM (IST)Updated: Mon 16 Dec 2024 06:01 PM (IST)
entertainment-news-gujarati-action-film-victor-303-trailer-launch-446043
HIGHLIGHTS
  • આગામી 3 જાન્યુઆરીના રોજ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે

VICTOR 303 Official Trailer: ગુજરાતી ફિલ્મ 'વિક્ટર 303' 3 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર સ્વપ્નિલ મેહતા છે. જેના પ્રોડ્યુસર રેખા માંગરોળિયા, કોમલ માંગરોળિયા, હેત્વી શાહ, વિશાલ વડા વાળા છે.

ફિલ્મની વાર્તા પર નજર કરીએ તો માળિયા મિયાણાના અનાથાશ્રમમાં મોટા થયેલા વિક્ટરને પ્રેમમાં દગો મળતાં, તે પોતાની પ્રેમિકાનું લગ્ન બગાડી બદલો લે છે. અજાણતાં, અને જોગાનુજોગ, લગ્નની રાતે આવેશમાં લીધેલાં વિક્ટરના પગલાં એક ઘાતકી લડાઈનું કારણ બને છે અને તે સાથે જ, વિક્ટર માળિયા-મિયાણા પર રાજ કરતા મીઠાંના ઠેકેદારોનો દુશ્મન બની બેસે છે. પ્રેમિકાના દગાથી શરુ થયેલી એક સામાન્ય ઘટના હત્યા, હિંસા, પ્રેમ, અને ન્યાય માટે કરેલ સાહસ સુધી વિક્ટરને પહોંચાડે છે.

વિક્ટર 303ની વાર્તા એક અનાથની પોતાની સાચી ઓળખ સુધી પહોંચવાની વાર્તા છે. વિક્ટર 303ની વાર્તા એક ભયાનક ભૂતકાળ અને ભવ્ય વારસાની વાર્તા છે. આ વાર્તા ફરજ અને જવાબદારીની કહાની છે.

આ ફિલ્મમાં તમને જગજીતસિંહ વાઢેર, અંજલી બારોટ, ચેતન ધાનાણી, અભિનય બેંકર, મયુર સોનેજી, બિમલ ત્રિવેદી, કિશન ગઢવી, નક્ષરાજ, અલીશા પ્રજાપતિ, જ્હાન્વી ચૌહાણ અને ઉત્સવ નાઈક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.